(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧
બોરસદ તાલુકાનાં ગાજણા ગામે દરબારગઢ વિસ્તારમાં આવેલ બ્રહ્મ પોળમાં આજે સવારે આઠ વાગ્યાનાં સુમારે તાર કપડાં સૂકવવા જતાં પ્રૌઢ મહિલાને વીજ કરંટ લાગતાં મહિલાનાં પુત્ર અને પુત્રવધુ મહિલાને વીજતારથી છોડાવવા જતાં તેઓને પણ વીજ કરંટ લાગતાં મહિલા તેમજ પુત્રવધુનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું.
મળતી વિગતો અનુસાર ગાજણા ગામે દરબારગઢમાં આવેલ બ્રહ્મપોળમાં હેમંતકુમાર રાજેન્દ્રકુમાર પુરોહિત પોતાની માતા બીનાબેન (ઉ.વ પપ) અને પત્ની વૈશાલીબેન (ઉ.વ ૩પ) સાથે રહે છે. આજે સવારે બીનાબેન કપડાં ધોયા બાદ ઘર પાસે તાર ઉપર કપડાં સૂકવવા જતાં તાર પાસેથી પસાર થતો વીજળીનો તાર કપડાં સૂકવવાના તાર સાથે અડી જતાં કપડાં સૂકવવા ગયેલા બીનાબેનને વીજ કરંટ લાગતાં તેઓ તાર સાથે ચોંટી ગયાં હતાં. જેથી તેઓની બૂમાબૂમ સાંભળી હેમંત અને વૈશાલીબેન ઘરની બહાર દોડી આવ્યાં હતાં અને તેઓ તાર સાથે ચોંટી ગયેલા બીનાબેનને છોડાવવા જતાં તે બંનેને પણ વીજ કરંટ લાગ્યો હતો. દરમ્યાન ફળિયામાં રહેતાં અન્ય લોકો પણ દોડી આવ્યાં હતાં અને જેઓ પણ બીનાબેન, હેમંત અને વૈશાલીબેનને છોડાવવા જતાં અન્ય ચાર જણાં પણ વીજ કરંટ લાગતાં તાર સાથે ચોંટી ગયાં હતાં. જેથી ફળિયાના લોકોએ તાત્કાલિક વીજ તારનો મુખ્ય પુરવઠો બંધ કરી દીધો હતો. જો કે આ ઘટનામાં વીજ કરંટ લાગતાં ગંભીરપણે દાજી ગયેલા સાસુ બીનાબેન અને પુત્રવધુ વૈશાલીબેનનાં ઘટનાસ્થળે જ મોત નીપજયાં હતાં.