(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૧૮
આણંદ જિલ્લાનાં બોરસદ તાલુકાના દાવોલ ગામના ઓડવગા વિસ્તારમાં ફાટક પાસે આવેલ ઈંટોનાં ભઠ્ઠામાંથી બુધવારે સવારે કંકાલ મળતા ચકચાર મચી જવા પામી હતી.
મળતી વિગતો અનુસાર બોરસદ તાલુકાના દાવોલ ગામના ઓડવગા વિસ્તારમાં રેલવે ફાટકની બાજુમાં ઉદેસિંહ બુધાભાઈ ગોહેલ અને તેઓના નાના ભાઈ કાંતિભાઈ બુધાભાઈ ગોહિલ ઉ.વ.૫૦ની સહિયારી ૭ વીઘા જમીન આવેલ છે જે જમીનમાં ઈંટભઠ્ઠો કરવા માટે ચાર વર્ષ અગાઉ વડોદરાના બહાર આલમ નામના પરપ્રાંતીય ઈસમને જમીન ભાડે આપવામાં આવી હતી. કાંતિભાઈ ગોહિલ સાથે ઈંટોનાં ભઠ્ઠાના માલિક બહાર આલમની સાથે પૈસા બાબતે વિવાદ થતો હતો એક વર્ષ અગાઉ પણ કાંતિભાઈ અને બહાર આલમ વચ્ચે પૈસા બાબતે બોલાચાલી થઇ હતી ત્યારબાદ છેલ્લા ૭ મહિનાથી કાંતિભાઈ ગોહેલ ક્યાંક ગુમ થઇ ગયા હતા જેને લઇ તેઓના મોટાભાઈ ઉદેસિંહ અને કાંતિભાઈના પુત્રએ સ્થાનિક અને સગાસબંધીઓમાં તેઓની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કાંતિભાઈ મળી આવ્યા ન હતા જો કે તેઓના પરિવારજનોએ આ બાબતે પોલીસને જાણ કરી ન હતી ત્યારે બુધવારે સવારે મજૂરો ભઠ્ઠામાંથી ઈંટો કાઢી રહ્યા હતા ત્યારે અચાનક માનવ કંકાલના હાડકા નીકળતા મજૂરો ગભરાઈને ભાગી ગયા હતા જે વાતની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો મોટી સંખ્યામાં ભઠ્ઠા પર ઉમટી પડ્‌યા હતા અને ઈંટભઠ્ઠામાંથી મળેલ કંકાલ કાંતિભાઈનું જ હોવાનું ચર્ચા કરતા હતા ઘટના અંગે બોરસદ ટાઉન પોલીસને જાણ થતા ટાઉન પીઆઈ ચૌહાણ પોલીસ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને ભઠ્ઠામાંથી કંકાલના હાડકાને કબ્જે લઇ ફોરેન્સિકમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી તેમજ ભઠ્ઠાના મજૂરો,કાંતિભાઈ ગોહેલના પુત્ર સહીતના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી છે.