(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૨
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાસણા (બો) ગામના યુવકનું અમેરિકામાં કોરોના પોઝિટિવમાં સારવાર દરમિયાન મોત નિપજતા વાસણા (બો) ગામે રહેતા તેઓના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. વાસણા (બો) ગામનો શૈલેષભાઈ પટેલ આજથી કેેટલાક વર્ષો પૂર્વે અમેરિકા ગયો હતો અને અમેરિકાના ન્યુજર્સીમાં સ્થાઈ થઈ ત્યાં જોબ કરતો હતો. ત્યારે હાલમાં ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોવિડ-૧૯નો કયાંકથી શૈલેષને ચેપ લાગી ગયો હતો, જેથી આજથી દસ દિવસ પૂર્વે શૈલેષને તેના કોઈ સંબંધી દ્વારા ન્યુજર્સીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં દસ દિવસની સારવાર બાદ ભારતીય સમય અનુસાર ગુરૂવારની રાત્રીના દોઢ વાગ્યે તેઓનું અમેરિકામાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. શૈલેષના મોટાભાઈ રીતેશે જણાવ્યું હતું કે, પરિવારને સમૃદ્ધ બનાવવાના સ્વપ્નને આંખોમાં આંજીને શૈલેષ પટેલ અમેરિકા ગયો હતો, તે ખૂબ જ સાલીન અને લોકોને મદદરૂપ બનવાનો સ્વભાવ ધરાવતો હતો તેના મૃત્યુને લઈને અમારા પરિવારમાં મોટી ખોટ પડી છે.