(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૧
બોરસદ શહેરનાં લઘુમતી વિસ્તારોમાં છેલ્લા કેટલાક દીવસોથી જાહેર માર્ગો પર ગટરો ઉભરાવાના કારણે વહી રહેલી ગટર ગંગાના વિરોધમાં આજે સ્થાનીક રહીશોએ નગરપાલીકામાં હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શીત કર્યો હતો અને નગરપાલીકાનાં ચીફ ઓફીસર સમક્ષ આ સમસ્યાનું તાકીદે નીરાકરણ લાવવાની માંગ કરી હતી. બોરસદ શહેરનાં રબારી ચકલા વિસ્તારથી રાજા મહોલ્લા મસ્જીદ જવાના માર્ગ પર છેલ્લા કેટલાક દીવસથી ગટરો ઉભરાવવાના કારણે ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગ પર વહી રહ્યું છે. જેને લઈને સ્થાનીક રહીશોને આ જાહેર માર્ગ પર વહેતી ગટર ગંગામાં રહીને અવર જવર કરવી પડે છે. તેમજ આ વિસ્તારમાં આવેલી ત્રણ શાળાઓમાં અભ્યાસ કરતાં ૧ર૦૦થી વધુ વીદ્યાર્થીઓને પણ આ ગટરના ગંદા પાણીમાં રહીને અવર જવર કરવી પડે છે. તેમજ અહીંયા બે મસ્જીદો અને મદ્રેસા આવેલા છે. જેના કારણે મસ્જીદમાં નમાજ પઢવા જતાં મુસ્લીમોને પાણીમાં રહીને પસાર થવું પડે છે. તેમજ મદ્રેસામાં અભ્યાસ કરતાં બાળકોને પણ આ દુષીત પાણીમાં થઈને પસાર થવું પડતું હોય તેઓની ધાર્મીક લાગણી દુભાઈ રહી છે. જે અંગે સ્થાનીક રહીશોએ આ સમસ્યા અંગે નગરપાલીકા તંત્ર સમક્ષ અનેકવાર રજુઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા આ ગટરો ઉભરાતી બંધ થાય તે માટે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને પાલીકા તંત્ર આ અંગે દુર્લક્ષ સેવી રહ્યું છે તેમજ દુષીત પાણીમાં જીવજંતુઓ ઉત્પન્ન થવાના કારણે આ વિસ્તારમાં ધીમે ધીમે રોગચાળો માથું ઉંચકી રહ્યું છે અને ભયંકર રોગચાળો ફેલાય તેવી ભીતિ રહેલી છે. તેમજ આ દુષીત પાણીના કારણે થતી ગંદકી પર પાલીકા દ્વારા જંતુનાશક ડીડીટી પાવડરનો પણ છંટકાવ કરવામાં આવતો નથી. જેને લઈને આજે સ્થાનીક રહીશોએ નગરપાલીકામાં જઈ હલ્લાબોલ કરી પાલીકાનાં ચીફ ઓફીસર એન ડી.બારોટ સમક્ષ ઉગ્ર રજુઆતો કરી હતી.
આ અંગે સ્થાનીક સાજીદ મલેકે જણાવ્યું હતું કે આ મોટો વિસ્તાર આવેલો છે અને વિસ્તારની દૃષ્ટીએ ગટર લાઈન ખુબજ નાની છે અગાઉ આ ગટર લાઈનો નાખતા સમયે સ્થાનીક રહીશોએ નગરપાલીકાના અધીકારીઓને મોટી ગટર લાઈન નાંખવા રજુઆત કરી હતી. પરંતુ પાલીકાના એન્જીનીયરે તેઓની રજુઆત ધ્યાન નહીં લેતા આ ગટરો રોજે રોજ ઉપરાવવાની સમસ્યા વીકટ સ્વરૂપ ધારણ કરી રહી છે.
સ્થાનીક રહીશ તારીફ મલેકે જણાવ્યું હતું કે આ સમસ્યા અંગે સ્થાનીક રહીશો સમક્ષ અમોએ અનેક રજુઆતો કરી છે. તેમ છતાં પાલીકા તંત્ર રજુઆત સાંભળતુ નથી. અહીંયા શાળાઓ અને ધાર્મીક સ્થળો આવેલાં છે. જેને લઈને મુસ્લીમ સમુદાયની ધાર્મીક લાગણી દુભાઈ રહી છે. ત્યારે આ સમસ્યાનું કાયમી નીરાકરણ લાવવા તેઓએ માંગ કરી હતી. જયારે સ્થાનીક સીરીનબેને કહ્યંુ હતું કે દરરોજ દુષીત પાણીમાં થઈને અવર જવર કરવી પડે છે. જેને લઈ આ વિસ્તારમાં દુષીત પાણીના કારણે ધીમે ધીમે બીમારીઓ ફેલાઈ રહી છે.