(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૬
બોરસદ શહેરમાં જાકલી તળાવ પાસે ગઈકાલે મોડીસાંજના સુમારે મીત્રોવાતો કરતાં કરતાં ઝઘડી પડતાં એક મીત્રએ ૧૮ વર્ષના યુવકને માથાની પાછળના ભાગે જોરથી મુકકો મારી ઈજાઓ પહોંચાડતાં યુવકનું મોત નીપજતાં આ બનાવ અંગે બોરસદ સીટી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વીગતો અનુસાર બોરસદ શહેરની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતાં અને મુળ દાહોદ જીલ્લાનાં જાલોદ તાલુકાનાં સારમારીયા ગામનાં મનીષ કલસીંગભાઈ પરમારનો પીતરાઈ ભાઈ રાહુલભાઈ દલુભાઈ પરમાર ઉવ ૧૮ પોતાની માતા અને પાંચ ભાઈઓ સાથે મારૂતી હોસ્પીટલ નજીક રહે છે. ઉતરાયણનો તહેવાર મનાવવા તે બોરસદ આવ્યો હતો અને ગઈકાલે સાંજનાં ૭ઃ૩૦ વાગ્યાના સુમારે પોતાના મીત્ર સીવાભાઈ કાંતીભાઈ રાઠોડ રહે. ચુવાની મોટર સાયકલ પર બજારમાં ફરવા ગયો હતો અને બોરસદની જાકલી તળાવ નજીક સીવાભાઈ કાંતીભાઈ રાઠોડ કૌસીક ઉર્ફે બંટી વાલજીભાઈ ભગોરા અને અનીલભાઈ કીર્તનભાઈ ડામોર વાતો કરતાં ઉભા હતા ત્યારે રાહુલ અને અનીલ વચ્ચે વાતો વાતોમાં બોલાચાલી થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી અનીલે ઉશ્કેરાઈ જઈને રાહુલને માથાની પાછળના ભાગે જોરથી મુકકો મારતાં કૌસીક ઉર્ફે બંટી અને સીવાભાઈએ વચ્ચે પડી રાહુલને છોડાવ્યો હતો અને જોરથી મુકકો વાગવાના કારણે રાહુલને ગંભીર ઈજાઓ થતાં તે બેભાન થઈ ગયો હતો. જેથી કૌસીક ઉર્ફે બંટી અને સીવાભાઈ બંને જણાં રાહુલને મોટર સાયકલ પર બેસાડી મનીસભાઈ પરમારના ઘરે રાહુલને મુકવા ગયાં હતાં અને થોડીવારમાં અનીલ મનીસના ઘરે આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે રાહુલ મને ગાળો બોલતો હતો જેથી ગુસ્સામાં મે તેને મુકકો માર્યો હતો. આમ કહી અનીલ નાસી ગયો હતો. જેથી ગંભીર પણે ઘવાયેલા રાહુલને ત્વરીત સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડયો હતો. જયાં હોસ્પીટલના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. જેથી આ બનાવ અંગે મનીસભાઈ કલસીંહભાઈ પરમારે બોરસદ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે અનીલભાઈ કીર્તનભાઈ ડામોર વીરૂદ્ધ ઈપીકો કલમ ૩૦ર મુજબ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આરોપીને ઝડપી પાડી તેની પુછપરછ હાથ ધરી છે. આજે બપોરે પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતકનો મૃતદેહ તેના પરીવારજનોને સુપ્રત કર્યો હતો.