(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૦
આણંદ જિલ્લાના બોરસદ ખાતે આંકલાવ અને બોરસદ તાલુકાના ખેડૂતોને મુખ્યમંત્રી સાત પગલાં ખેડૂત કલ્યાણ માટેના યોજાયેલા કાર્યક્રમમાં ગુરૂવારે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના શુભહસ્તે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બાંધકામ માટે ૪૮ અને માલ પરિવહન વાહન ખરીદવા માટે ૫ણ એમ કુલ મળીને ૧૦૦ ખેડૂતોને મંજૂરી પત્રો અર્પણ કરતા પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત સરકારે ખેડૂતો માટેની “સાત પગલાં ખેડૂત કલ્યાણના” યોજનાની શરૂઆત કરી છે. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ગાય દીઠ પ્રતિમાસ રૂપિયા ૯૦૦ની સહાય કરવામાં આવે છે. યોજનામાં ખેતરમાં પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા રૂા.૩૦,૦૦૦ની સબસિડી સહાય તેમજ ખેડૂતોને પોતાનો માલ બજારમાં વેચવા લઈ જવા માટે વાહન ખરીદવા માટે પણ સહાય કરવામાં આવે છે. ઉપસ્થિત રહેલા બે તાલુકાના ખેડૂત ભાઈ-બહેનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગાંધીનગર ખાતે યોજાયેલા સાત પગલાં ખેડૂત કલ્યાણના કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા પંચાયત સભ્ય પ્રતાપસિંહ ગોહેલ, પૂર્વ સાંસદ દિલીપ પટેલ, પૂર્વમંત્રી રોહિત પટેલ, જિલ્લાના અગ્રણી મહેશ પટેલ, રમણ સોલંકી, જિલ્લા કલેકટર આર.જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર, જિલ્લા પોલીસ અધિકક્ષક અજીત રાજીયન, જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. સ્નેહલ પટેલ, ખેતીવાડી અધિકારી પટેલ, આત્મા કચેરીના અધિકારીઓ સહિત અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.