(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૪
બોરસદ શહેરમાં રેલ્વે ફાટક પર ફલાય ઓવરબ્રીજ બનાવવા માટે પીલ્લર બનાવવાની કામગીરી ચાલી રહી છે,જે અંતર્ગત આજે રેલ્વે ફાટક પાસે ચામુંડા મંદીર પાસે કોન્ટ્રાકટરની બેદરકારીનાં કારણે ખોદકામ દરમિયાન જમીનમાં રહેલી પાણીની પાઈપ લાઈન તુટી જતા પાઈપલાઈનમાં ભંગાણ પડયું હતું.અને ૧૦ મીટર ઉંચો પાણીનો ફુવારો ઉડયો હતો અને પાણી આસપાસની કેટલીક દુકાનોમાં પ્રવેસી ગયું હતું. પાણીની લાઈનમાં ભંગાણ પડતા આજે સાંજનાં સુમારે બોરસદ ચોકડી અને આસપાસમાં આવેલી કેટલીક સોસાયટીઓમાં પીવાનું પાણી પહોંચી શકયું ન હતું અને લોકો હાલાકીમાં મુકાયા હતા.આ અંગે પાલિકાનાં ચીફ ઓફીસરએ જણાવ્યું હતું કે કોન્ટ્રાકટરની બેદરકારીનાં કારણે પાઈપ લાઈનમાં ભંગાણઁ પડતા ભારે નુકશાન થયું છે, આ નુકશાન અંગે માર્ગ મકાન વિભાગને નોટીસ આપવામાં આવશે,તેમજ હાલમાં આ ભંગાણનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે,તેમજ આગામી ૧૫ થી ૨૪ કલાકમાં પીવાનું પાણીનો સપ્લાય રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ ધટનાને લઈને માર્ગ મકાન વિભાગનાં અધિકારીઓ તેમજ આઈઆરબીનાં અધિકારીઓ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા.