(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૩
બોરસદ-આસોદર રોડ પર આવેલ સરસ્વતી શીશુકુંજ અંગ્રેજી મીડિયમ શાળામાં શાળાના શિક્ષિકાએ વિદ્યાર્થીને મૂઢમાર મારતા વિદ્યાર્થી શાળામાં જવાથી પણ ગભરાઈ રહ્યો છે.
મળતી વિગતો અનુસાર બોરસદ પામોલ રોડ પર મધુવન સોસાયટીમાં રહેતા મહીપતસિંહ ચંદુસિંહ સિંધાનો આઠ વર્ષીય પુત્ર અભિરાજસિંહ બોરસદની સરસ્વતી શીશુકુંજ શાળામાં ધો. ૩માં અભ્યાસ કરે છે અભિરાજ અભ્યાસમાં પહેલાથી જ અગ્રેસર રહ્યો છે. સોમવારે અભિરાજ શાળામાં વર્ગખંડમાં હતો ત્યારે અન્ય વિદ્યાર્થીઓ સાથે બેઠેલ હતો તે સમયે શાળાના શિક્ષિકા જાનકીબેન પટેલ આવ્યા હતા અને અભિરાજને બોલાવી તેને ગાલ પર જોરદાર તમાચા મારી દીધા હતા અને ગમે તેમ શબ્દો બોલ્યા હતા જેને લઇ અભિરાજ એકદમ દિગ્મૂઢ બની ગયો હતો સાંજે શાળામાંથી છૂટ્યા બાદ ઘરે આવ્યો ત્યારે પણ સુનમુન બની ગયો હતો અને રાત્રે તેને ગાલના ભાગે દુઃખતું હોવાનું જણાવ્યું હતું જેને લઇ તેના વાલી દ્વારા તેને પૂછવામાં આવતા અભિરાજએ શિક્ષિકા દ્વારા માર મરવામાં આવ્યો હોવાની વાત જણાવી હતી જેને લઇ તેના વાલી અભિરાજ માટે દુખાવાની દવા લાવ્યા હતા અને સવારે જયારે સ્કૂલમાં જવા અભિરાજને તૈયાર કરવામાં આવ્યો તો અભિરાજ ધ્રુજી ગયો હતો અને મારે સ્કૂલ જવું નથી મારા મેડમ મને બહુ મારે છે તેમ જણાવ્યું હતું જેને લઇ વાલી દ્વારા બાળકને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ શિક્ષિકાના મારથી એકદમ ડરી ગયેલા અભિરાજએ શાળામાં જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી જેને લઇ અભિરાજના માતા-પિતા શાળામાં ગયા હતા અને સંચાલકોને મળ્યા હતા ત્યાં શાળા સંચાલકોએ બરાબર વાત પણ સાંભળી ન હતી અને શિક્ષિકાને બચાવવનો અને તેને છાવરવાનો પ્રયાસ કર્યો હતો જેને લઇ વાલી પોલીસ મથકે આવ્યા હતા અને બાળકને મૂઢ માર મારનાર શિક્ષિકા વિરૂદ્ધ લેખિતમાં અરજી આપી હતી.