(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧
આણંદ તાલુકાના બોરીયાવી ગામે આવેલી હરીપુરા પ્રાથમિક શાળાના ધો. ૬ અને ૭ ના વર્ગો બંધ કરી અન્ય શાળામાં મર્જ કરવાના નિર્ણયના વિરોધમાં સ્થાનિક વાલીઓએ જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં શાળા દ્વારા ધો. ૬ અને ૭ ના વિદ્યાર્થીઓના એલસી અન્ય શાળામાં મર્જ કરવામાં મોકલી આપતા વાલીઓએ તેના વિરોધમાં શાળાની બહાર સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી શાળાને તાળાબંધી કરી હતી.
આ અંગે વાલી અલ્પેશસિંહે જણાવ્યું હતું કે હરીપુરા પ્રાથમિક શાળાથી અન્ય શાળાનું અંતર સાડા ત્રણ કિલોમીટર છે અને જો અન્ય શાળામાં ધો. ૬ અને ૭ ના વર્ગો મર્જ કરવામાં આવે તો હરીપુરાના વિદ્યાર્થીઓ અન્ય શાળામાં ભણવા જવાની ના પાડી રહ્યા છે. અને જો આ વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ નહી કરે તો તેઓનું ભવિષ્ય અંધકારમય બની જશે. તેમજ વાલીઓ પણ પોતાના બાળકોને સાડા ત્રણ કિલોમીટર દુર આવેલી શાળામાં મોકલવાની ના પાડી રહ્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચે છોડી દેશે અને જેના કારણે ડ્રોપઆઉટનું પ્રમાણ વધશે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી ધો. ૬ અને ૭ ના વર્ગો અન્ય શાળામાં મર્જ કરવાનો નિર્ણય રદ નહી કરાય ત્યાં સુધી વાલીઓ પોતાના બાળકોને શાળામાં મોકલશે નહી અને શાળાને તાળાબંધી કરી લડત ચાલુ રાખશે.
Recent Comments