અમદાવાદ, તા.૧
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના પેપરની ચકાસણી સેન્ટર પર અનઅધિકૃત પ્રવેશ કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરવા અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે. શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લખેલા આ પત્રમાં જણાવ્યું છે કે, ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા વિદ્યાર્થીઓની કારકિર્દી માટે અતિ મહત્ત્વની છે. આ પરીક્ષામાં ગેરરીતિઓ અક્ષમ્ય ગણાય. આ પરીક્ષાના પેપરોની ચકાસણી સ્થળે કોઈ પણ અનઅધિકૃત વ્યક્તિનો પ્રવેશ નિષેધ છે. અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ માત્રથી બોર્ડની પરીક્ષાના પેપરોના મૂલ્યાંકન ઉપર શંકા-કુશંકા સ્વાભાવિક ઉદ્‌ભવે અને જે વિદ્યાર્થીની માનસિકતા ઉપર વિપરીત અસર પેદા કરે તે સ્વાભાવિક છે. તા. ૧૬/૦૪/૨૦૨૦ જે બોર્ડના પેપરોની ચકાસણીની કામગીરી શરૂ થઈ છે, તે સમયે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા, જિલ્લા ભાજપના મંત્રી કૌશિક વેકરિયા, શહેર ભાજપ પ્રમુખ તુષાર જોશી વિગેરે બિનઅધિકૃત વ્યક્તિઓએ પેપર તપાસણી ચાલતી હતી, ત્યાં પ્રવેશ કર્યો છે. જેના ફોટોગ્રાફ પણ છે. માધ્યમિક શિક્ષણ ધારાની કલમ ૪૩ તથા ઈન્ડિયન પીનલ કોડની જોગવાઈઓને ધ્યાને લઈને તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે તેમજ ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે જેથી બોર્ડની પરીક્ષા આપનાર ૧૭ લાખ વિદ્યાર્થીઓમાં સરકારની પ્રકિયા સામે વિશ્વસનીયતા ટકી રહે.