અમદાવાદ,તા.૨૩
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો-૧૦ અને ધો-૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલાં મળતી હોલ ટિકિટમાં ભૂલ હોવાની અનેક ફરિયાદના પગલે ભૂલ સુધારવા માટે હવે વિદ્યાર્થીઓને પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષાની હોલ ટિકિટ શાળાને મળ્યાના પાંચ દિવસમાં આ સુધારો માન્ય ગણાશે. બોર્ડ દ્વારા પણ આ સમગ્ર મામલે જરૂરી કવાયત હાથ ધરવામાં આવી છે.
ધો.૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષાઓ આગામી તા.૭ માર્ચથી શહેરનાં વિવિધ પરીક્ષા કેન્દ્ર પર શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીઓને આપવામાં આવેલી હોલ ટિકિટમાં વિદ્યાર્થીનું નામ-વિષય, પરીક્ષાનું માધ્યમ, ફોટો, સહી, પરીક્ષાનું સ્થળ, પરીક્ષાની તારીખ અને સમય, જન્મતારીખ વગેરે તમામ બાબતો શાળાના આચાર્ય અને વિદ્યાર્થી બંનેએ ચકાસી લેવાની રહેશે. જો કોઈ વિગત બાબતે પ્રવેશપત્ર-હોલ ટિકિટમાં સુધારો કરવો જરૂરી હોય તો તે માટેની રજૂઆત હોલ ટિકિટ મળ્યાના પાંચ દિવસમાં શાળાના આચાર્ય થકી બોર્ડને રૂબરૂ કરવાની રહેશે. કેટલાક વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં સેન્ટર બદલાઇ ગયાં હોવાની ફરિયાદો કે એકના બદલે બીજા વિષય લખી નાખવામાં આવ્યા હોય તેવી ફરિયાદ ઊઠી છે. હોલ ટિકિટમાં શિક્ષણ બોર્ડે કરેલો છબરડો સુધારવા માટે વિદ્યાર્થીએ છેક ગાંધીનગરનો ધક્કો ખાવો પડે છે. ત્યારબાદ બોર્ડ ઓફિસના સુધારાની નોંધ લઇને ઝોનલ ઓફિસમાં નોંધ કરાવવી પડે છે. ઝોનલ ઓફિસના સુધારાની નોંધ પછી જ વિદ્યાર્થીની શાળામાં નોંધણી થાય છે અને ત્યારપછી જ સુધારાવાળી હોલ ટિકિટ મળી શકે છે. પરીક્ષાના નજીકના દિવસોએ વિદ્યાર્થી અને વાલીઓ માનસિક તાણ અનુભવતા હોય છે. એવા સંજોગોમાં વિદ્યાર્થીએ-વાલીઓ હોલ ટિકિટની ભૂલ સુધારવા માટે પરીક્ષાના દિવસોમાં દોડાદોડી કરવી પડે છે. શાળાઓ દ્વારા ઓનલાઇન વિદ્યાર્થીઓનાં પરીક્ષાફોર્મ ભરતી વખતે થયેલી બેદરકારીના પગલે પણ હોલ ટિકિટમાં ભૂલ જોવા મળી રહી છે. શિક્ષણ બોર્ડની કચેરીમાં હાલમાં દરરોજ અંદાજે ર૦૦ જેટલી શાળાઓ હોલ ટિકિટમાં સુધારા માટે દોટ મૂકી રહી છે. વિદ્યાર્થીઓનાં નામ, અટક, વિષય અને શાળાના નામ સહિતમાં ભૂલો કરી હોવાનું શિક્ષણ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું. જેથી બોર્ડે હવે હોલ ટિકિટના સુધારા માટે પાંચ દિવસનો સમય આપવાની જાહેરાત કરી છે.