(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૯
બોર્ડની પરીક્ષામાં સ્વનિર્ભર શાળાઓની બિલ્ડીંગોના ઉપયોગ વખતે સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓના જ સ્ટાફને ફરજ સોંપવાની રહેશે તેવા સરકાર દ્વારા જારી કરાયેલ પરિપત્રનો ઉગ્ર વિરોધ થતાં આખરે ફેરવી તોળતા હોય તેમ સરકારને નિર્ણય બદલવો પડ્યો છે. વિરોધ બાદ આજે સરકારે નવો પરિપત્ર જારી કરી હવે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં સ્ટાફની ફેરબદલી કરી શકાશે તેવી જાહેરાત કરી છે.
બોર્ડની પરીક્ષામાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની બિલ્ડીંગનો ઉપયોગ કરવાનો થાય ત્યારે તેમાં સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોના સ્ટાફને જ ફરજ સોપવાના પરિપત્ર સામે વિરોધ થતા હવે આવી સ્કુલોમાં સરકારી ગ્રાન્ટેડનો પણ સમાવેશ કરાયો છે.
આગામી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઇને પરીક્ષા સચિવે ૧ લી જાન્યુઆરીના પરિપત્રથી બોર્ડની પરીક્ષામાં સેલ્ફફાઇનાન્સ સ્કૂલોની બિલ્ડીંગનો ઉપયોગ કરવાનો થાય તો તેમાં સ્થળ સંચાલક અને વહીવટી સ્ટાફ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોનો જ મૂકવા સુચના આપી હતી. સેલ્ફફાઇનાન્સ સ્કૂલોમાં ગેરરીતિના કિસ્સા સામે આવ્યા હોવાના નિર્દેશ સાથે આ પરિપત્ર કરાયો હતો. જેને પગલે સુરત શહેર શાળા સંચાલક મંડળે વિરોધ કરીને કામગીરી કરવાનો જ ઇન્કાર કરી દીધો હતો.
વિરોધના પગલે પરીક્ષા સચિવે આજે નવો પરિપત્ર જારી કર્યો છે. જેમાં તમામ શિક્ષણાધિકારીઓને જણાવાયું છે કે, માર્ચ-૨૦૧૯ ની પરીક્ષા દરમ્યાન કેટલાક પરીક્ષા સ્થળોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઇ હોવાના કિસ્સા બોર્ડના ધ્યાને આવ્યા છે. આથી આવા બિલ્ડીંગોની પસંદગી કરવી નહીં. જે પરીક્ષા સ્થળોમાં ભૂતકાળમાં ગેરરીતિ કિસ્સાઓ મોટાપાયે બન્યા હોય, સ્ટાફની સંડોવણી પ્રસ્થાપિત થઇ હોય અથવા સ્થાનિક ઇન્ટેલીજન્સને યોગ્ય જણાતું નહીં હોય તેવા કિસ્સામાં સરકારી, ગ્રાન્ટેડ કે નોન ગ્રાન્ટેડ શાળાઓના પરીક્ષા સંચાલન માટે જિલ્લા શિક્ષણાધિકારીએ સ્થળ સંચાલક કે સમ્રગ સ્ટાફની ફેરબદલી કરીને નિષ્પક્ષ અને ગેરરીતિ વિહિન પરીક્ષાનું સુચારું સંચાલન થાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે. સાત દિવસમાં પરિપત્ર સુધારીને વિરોધ શાંત પાડી દેવાયો છે.