(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં બહાર પાડેલા એક પરિપત્રને લઈ સુરત સહિત રાજયભરની સ્વનિર્ભર શાળા સંચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે તે રદ્દ કરવાની માંગ કરી છે. જો સાત દિવસમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો ધરણાં સહિતના કાર્યક્રમો થકી વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી આપી છે. એચ.એસ.સી. અને એસ.એસ.સી.ની પરીક્ષા યોજાનારી છે. જેમાં ભૂતકાળમાં સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોમાં બોર્ડની પરીક્ષા દરમ્યાન ગેરરીતિના બનાવો શિક્ષણ બોર્ડને ધ્યાને આવ્યા હતા. જેને લઇને માર્ચ ૨૦૨૦માં યોજાનારી બોર્ડની પરીક્ષામાં સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોના એક પણ કર્મચારી ન મૂકવાની સાથે સરકાર પોતાના પ્રતિનિધિ આપશે તેવો પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રને લઈ સ્વનિર્ભર શાળા સંચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જેને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, સરકારે પરિપત્રમાં સ્વનિર્ભર શાળાઓના એક પણ પ્રતિનિધિ પરીક્ષામાં ન મુકવાનો નિર્ણય કર્યો છે તે ખૂબ જ અમાન્ય છે. જો પરીપત્રમાં જે કંઇ નિર્ણય લેવાયો છે તેના પર ફરીથી વિચારણા કરી તે રદ્દ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાત દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં ન આવશે તો સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા ધરણાં સહિતના કાર્યક્રમો કરી વિરોધ પ્રદર્શન કરશે તેવી ચિમકી આપવામાં આવી છે.