(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા કાપડના વેપારીનો ૧૭ વર્ષીય પુત્ર માથામાં ઇજા થયેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. વેપારીનો પુત્ર ધોરણ ૧૦મા અભ્યાસ કરતો હોવાની બોર્ડની પરીક્ષા હતી. જેથી બોર્ડનું સેન્ટર જોવા નીકળ્યા બાદ મોત થયું હોવાનું જાણવા મળે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અલથાણા ખાતે આવેલા માનસરોવર બંગલોમાં અમિત તુલસીસિંગ રાજપૂત(ઉ.વ.૧૭) પરિવાર સાથે રહેતો હતો. પિતા કાપડના વેપાર સાથે સંકળાયેલા છે. અમિત સન ફ્‌લાવર સ્કૂલમાં ધોરણ ૧૦મા અભ્યાસ કરતો હતો. ગતરોજ અમિત ઘરેથી બોર્ડનું સેન્ટર જોવા જતો હોવાનું કહીં નીકળ્યો હતો. દરમિયાન રાત્રે પાંડેસરા તેરેનામ ચોકડી નજીક માથામાં ઈજા થયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે અમિતને મૃત જાહેર કર્યો હતો. બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા અમિતનાં મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે અને પિતાને જાણ થતાં કાનપુરથી સુરત આવવા નીકળી ગયા હોવાનું જાણવા મળે છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અમિતના શરીર પર અન્ય કોઈ ઈજાના નિશાન ન મળી આવતા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. મૂળ યુપીના કાનપુરના રહેવાસી તુલસીભાઈ અલથાણમાં માનસરોવર બંગલોમાં રહે છે. તેમને ચાર સંતાનો પૈકી અમિત ત્રીજું સંતાન હતો. તુલસીભાઈ મોટાભાઈની દીકરીના લગ્ન હોવાથી કાનુપર ગયા છે જ્યારે અમિતને બોર્ડની પરીક્ષા હોવાથી સુરતમાં ભાઈ-ભાભી સાથે રોકાઈ ગયો હતો.