(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૪
ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાઓનો આવતીકાલે ૫ માર્ચથી પ્રારંભ થવાનો હોય વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી ડો.યુ.એમ. રાઠોડે શહેરની શાળાઓમાં બોર્ડનાં પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. સાથે જ સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ પણ ચકાસી હતી.
શિક્ષણાધિકારી ડો.યુ.એમ. રાઠોડે જણાવ્યું હતું કે, બોર્ડના પ્રશ્નપત્ર માટે એપ તૈયાર કરવામાં આવી છે. ઝોન પરથી પ્રશ્નપત્ર રવાના થાય ત્યારે એ સમયે તેનો ફોટોગ્રાફ પાડી એપમાં અપલોડ કરવામાં આવશે. પરીક્ષા સ્થળ પર જ્યારે સરકારી પ્રતિનિધિ પહોંચે ત્યારે પણ એના ફોટોગ્રાફ લઇને એપ પર અપલોડ કરવાનાં રહેશે. જેથી પેપર લીક થવાના ચાન્સ રહેતા નથી. વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી મુંઝવણ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે સવારે ૮ થી રાતનાં ૮ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. કંટ્રોલ રૂમનો નંબર : ૦૨૬૫-૨૪૧૭૦૩ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે.
આજે શિક્ષણાધિકારી ડો. રાઠોડે શહેરના પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લીધી હતી તથા બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ સીસીટીવી સહિતની સુવિધાઓ પણ તપાસ કરી તેનું નિરીક્ષણ કર્યું હતું.