નવી દિલ્હી, તા.૬
કાશ્મીરને લઈ વિવાદીત નિવેદન આપ્યા બાદ ચારેબાજુથી ટીકાનો સામનો કરી રહેલા પૂર્વ પાકિસ્તાની કપ્તાન શાહીદ આફ્રિદીએ કહ્યું છે કે આઈપીએલમાં જો તેને રમવા માટે બોલાવવામાં પણ આવશે તો તે રમશે નહીં તેણે એમ પણ કહ્યું કે તે પાકિસ્તાન ક્રિકેટ લીગમાં રમીને ખુશ છે અને આઈપીએલમાં રમવાની કોઈ જરૂર નથી. આફ્રિદીના હવાલાથી પાકિસ્તાનની એક વેબસાઈટના સંપાદકે આના સંબંધિત અનેક ટ્‌વીટ એક સાથે કરી છે. આ જ સાદિકની ટ્‌વીટ અનુસાર આફ્રિદીએ કહ્યું કે જો તે લોકો મને બોલાવશે તો પણ આઈપીએલમાં નહીં રમું મારી પીએસએલ ઘણી મોટી છે અને એક સમય એવો આવશે જ્યારે તે આઈપીએલથી મોટી ટુર્નામેન્ટ હશે તેણે કહ્યું કે મને કોઈ ફેર પડતો નથી કે અમુક લોકો મારી ટ્‌વીટ પર કેવી પ્રતિક્રિયા આપશે. મને વિશ્વાસ છે કે હું સાચુ બોલું છું. મને અધિકાર છે કે જે સત્ય છે તે હું બોલું.