(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ ગુરૂવારે (૧૮ જાન્યુઆરી) શલોમ બોલિવુડ કાર્યક્રમમાં ભાગ લીધો. તેમની સાથે પત્ની સારા પણ હાજર રહ્યા હતા. આ દરમ્યાન નેતાન્યાહુએ બોલિવુડની નામાંકિત હસ્તીઓની મુલાકાત લીધી. ખાસ કરીને મહાનાયકના નામથી પ્રખ્યાત અમિતાભ બચ્ચનને મળીને નેતાન્યાહુ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા. નેતાન્યાહુ સાથેની આ મુલાકાતમાં અમિતાભ બચ્ચન સહિત ઐશ્ચર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, કરણ જોહર, ઈમ્તિયાઝ અલી, મધુર ભંડારકર, વિવેક ઓબેરોય, પ્રસૂન જોષી, રણધીર કપૂર, કલર્સ ટીવી ચેનલના સી.ઈ.ઓ. રાજનાયક સહિત ઘણી ફિલ્મી હસ્તીઓ હાજર રહી હતી. નેતાન્યાહુની સાથે તેમની પત્ની સારા પણ હાજર રહ્યા હતાં. આ પ્રસંગે નેતાન્યાહુએ કહ્યું આખી દુનિયા બોલિવુડને પ્રેમ કરે છે. ઈઝરાયેલ બોલિવુડને પ્રેમ કરે છે અને હું પણ બોલિવુડને પ્રેમ કરૂં છું. કાર્યક્રમની યાદગીરી માટે નેતાન્યાહુએ બોલિવુડ કલાકારો સાથે સેલ્ફી લેવાની વિનંતી કરી ત્યારબાદ અમિતાભે નેતાન્યાહુ અને બોલિવુડ હસ્તીઓ સાથે સેલ્ફી લીધી. આ સેલ્ફીને ઈઝરાયેલી પી.એમે. ટિ્‌વટર પર શેર કરી. નેતાન્યાહુએ તસવીર શેર કરતાં લખ્યુ કે શું મારી બોલિવુડ સેલ્ફી ઓસ્કારમાં લેવામાં આવેલી હોલિવુડ સેલ્ફીને માત આપશે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના ખાસ મિત્ર નેતાન્યાહુની સેલ્ફીને રીટિ્‌વટ કરી અને લખ્યું. ‘વંડર ફૂલ બોન્ડિંગ પ્રાઈમ મિનિસ્ટર’. કાર્યક્રમમાં હાજર અમિતાભ બચ્ચનનો ઉલ્લેખ કરતાં ઈઝરાયેલી વડાપ્રધાને કહ્યું કે મેં જાણ્યું કે ટ્‌વીટર પર તેમના ફોલોઅર્સની સંખ્યા મારા કરતા ત્રણ કરોડ વધુ છે. મેં બીજા કલાકારો તરફ પણ જોયુ, તો જાણવા મળ્યું કે આ લોકો તો ખૂબ જ લોકપ્રિય છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુંબઈની રજા એકેડેમીના સભ્યોએ બાઈકુલામાં આવેલા તેમના કાર્યાલયની બહાર ઈઝરાયેલી વડાપ્રધાન નેતાન્યાહુની વિરૂદ્ધ ધરણા યોજ્યા અને તેમની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ઈઝરાયેલી પીએમ નેતાન્યાહુની સાથે બોલિવુડ હસ્તીઓની આ સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. જો કે, કેટલાક યુઝર્સને આ સેલ્ફી પસંદ ના આવી અને તેમણે નારાજગી વ્યક્ત કરી છે. લોકોના જણાવ્યા અનુસાર જે, શખ્સ પર માનવાધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે તેની સાથે આવી હસ્તીઓએ સેલ્ફી લેવાથી બચવું જોઈતું હતું.