(એજન્સી) મુંબઈ,તા.૯
નારકોટિકસ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ સોમવારે બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલના મુંબઈ સ્થિત ઘર પર દરોડા પાડી તપાસ કરી. આ કાર્યવાહી બોલિવુડ ડ્રગ્સ રેકેટના ક્રમમાં એનસીબીની પહેલથી ચાલી રહેલી તપાસનો જ ભાગ માનવામાં આવી રહ્યો છે. સાથે જ એનસીબીએ તેમને સમન્સ પણ મોકલ્યા છે અને પૂછપરછમાં સામેલ થવા માટે પણ બોલાવ્યા છે. અર્જુન રામપાલનું નામ આ મામલામાં પહેલા પણ ઉછળ્યું હતું. આ પહેલા બેંગ્લુરૂ પોલીસે અભિનેતા વિવેક ઓબેરોયના ઘરની પણ તપાસ લીધી હતી. વિવેકની સાથે આદિત્ય સેલ્વાની તપાસમાં બેંગ્લુરૂ પોલીસ મુંબઈ પહોંચી હતી. જો કે બોલિવુડમાં સુશાંતસિંહ રાજપુતના મૃત્યુ પછી ડ્રગ્સ કનેકશનનો દાયરો સતત વધતો જ જઈ રહ્યો છે. એન્ટી ડ્રગ એજન્સી નારકોટીકસ કન્ટ્રોલ બ્યુરોએ રવિવારે બોલિવુડના મોટા ફિલ્મ નિર્માતા ફિરોજ નડિયાદવાલાની પત્ની શબાના સઈદની ધરપકડ કરી હતી. એનસીબી ફિરોજ નડિયાદવાલાને પણ પૂછપરછની તૈયારી કરી રહી છે. એનસીબી ડ્રગ્સ કનેકશનમાં બોલિવુડ અભિનેત્રીઓ રકૂલ પ્રિતસિંહ, દિપીકા પાદુકોણ, સારા અલીખાન અને અન્ય હસ્તીઓ સાથે પૂછપરછ કરી ચૂકી છે. સુશાંતના મૃત્યુ પછી તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના ડ્રગ્સ પેડલરના સંપર્કમાં હોવાનો ખુલાસો થયા પછી એનસીબીએ કેસની તપાસ શરૂ કરી હતી.