(એજન્સી) મુંબઇ, તા. ૨૯
મોટા આંતરડાના ચેપને કારણે મંગળવારે મુંબઇની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઇરફાનખાનનું લાંબી માંદગી બાદ ૫૩ વર્ષની વયે નિધન થયું છે. ઇરફાનખાને ૨૦૧૮માં ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર (મગજમાં ગાંઠ)નું નિદાન થયું હોવાની જાહેરાત કરી હતી. ઇરફાનખાનને કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં મોટા આંતરડાના ચેપ માટે ઓબઝર્વેશન હેઠળ આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા. ફિલ્મ નિર્માતા શુજિત સરકાર દ્વારા ટિ્‌વટર પર ઇરફાનખાનના નિધનના સમાચાર શેર કરવામાં આવ્યા હતા. ટિ્‌વટર પર તેમણે લખ્યું કે ‘મારા પ્રિય મિત્ર ઇરફાનખાન. તમે લડ્યા, લડ્યા અને લડ્યા. મને હંમેશ તમારા પર ગર્વ હશે..આપણે ફરી મળીશું.’સુતાપા અને બાબિલ પ્રત્યે મારી સંવેદના. તમે પણ લડ્યા હતા. સુતાપા તું આ લડતમાં જે આપી શકતી હતી એ બધું તે આપ્યું. ઇરફાનખાનને સલામ. ઇરફાનખાનની વિદાયના ગમમાં સમગ્ર બોલિવૂડ ડુબી ગયું છે. ઇરફાનખાનના નિધનના સમાચારથી પ્રત્યેક વ્યક્તિનું મન હચમચી ગયું છે. બુધવારે સાંજ ચાર વાગે ઇરફાનખાનને અંતિમ વિદાય આપી દેવામાં આવી. જનાઝાની નમાઝ બાદ ઇરફાનખાનના પાર્થિવ શરીરને યોરી રોડ, વર્સોવાના કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા. ઇરફાનખાનને અંતિમ વિદાય આપવા માટે કબ્રસ્તાનમાં તેમના પરિવારના કેટલાક સભ્યો ઉપસ્થિત હતા. ઇરફાનખાનની દફનવિધિમાં બહુ ભીડની પરવાનગી આપવામાં આવી ન હતી, તેથી બોલિવૂડના થોડાક જ લોકો ઇરફાનખાનના જનાઝામાં સામેલ થઇ શક્યા હતા. ઘણા મહાનુભાવો ઇરફાનખાનના જનાઝામાં સામેલ થવા માગતા હતા પરંતુ આ શક્ય ન હતું. ઇરફાનખાનના નિકટના લોકોમાંથી વિશાલ ભારદ્વાજ, તિગ્માંશુ ધુલિયા ઉપરાંત રાજપાલ યાદવ, કપિલ શર્મા અને મીકા સિંહ જેવા કેટલાક સિલિબ્રિટિઝ દેખાયા હતા. જોકે, યારી રોડની આસપાસ રહેતા કેટલાક લોકો પણ પોતાને રોકી શક્યા ન હતા અને ઇરફાનખાનના અંતિમ દર્શન કરવા માટે ત્યાં પહોંચી ગયા હતા. જોકે, તેમને પાછા જવાનું પોલીસને કહેતા જોવામાં આવ્યું હતું.

વર્સોવા કબ્રસ્તાનમાં ઇરફાનખાન સુપુર્દ-એ-ખાક,
પુત્રો બાબિલ અને અયાને દફનવિધિ કરી

મજબૂત મનોબળ અને ઇરાદો ધરાવતા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાને મોત સામે અંત સુધી લડાઇ લડી હતી, છેવટે બુધવારે તેમનું નિધન થયું છે. ઇરફાનખાનના નિધન અંગે તેમના પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઇરફાનના નિધનની જાહેરાત કરવામાં આવ્યા બાદ બુધવારે બપોરે ૩ વાગે મુંબઇના વર્સોવા કબ્રાસ્તાનમાં ઇરફાનખાનને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. ઇરફાનના બંને પુત્રો બાબિલ અને અયાને દફનવિધિ કરી હતી. પરિવારના સભ્યો, નિકટના સગાવાળાઓ અને મિત્રોની ઉપસ્થિતિમાં ઇરફાનખાનની દફનવિધિ કરવામાં આવી હતી. કોરોના વાયરસને ફેલાતા અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન હોવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇરફાનના મિત્રો કબ્રસ્તાન જવા દેવામાં આવ્યા ન હતા. જોકે, હૈદર અને ૭ ખૂન માફ જેવા મલ્ટિપલ પ્રોજેક્ટ્‌સ પર ઇરફાન સાથે કામ કરનાર ફિલ્મ નિર્માતા વિશાળ ભારદ્વાજ ઇરફાનખાનની દફનવિધિ વખતે કબ્રસ્તાનમાં ઉપસ્થિત રહ્યા હતા.

ઇરફાનના અંતિમ શબ્દો –
“અમ્મા મુઝે લેને આઇ હૈં…”

બોલિવૂડના અગ્રણી અભિનેતા ઇરફાનખાનનું બુધવારે મુંબઇમાં નિધન થયું છે. ગઇકાલે ઓચિંતા એવા અહેવાલો આાવ્યા હતા કે ઇરફાનખાન હોસ્પિટલમાં દાખલ થઇ ગયા છે તો તેમના સ્વાસ્થ્ય માટે સમગ્ર વિશ્વમાં દુઆઓ થવા લાગી હતી પરંતુ તેઓ જિંદગી માટે જંગ જીતી ન શક્યા. અભિનેતાએ કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો, તે વખતે તેમના પરિવારના સભ્યો તેમની પાસે ઉપસ્થિત હતા. પોતાની માતા સાથે બહુ પ્રેમ કરનારા ઇરફાનખાને અંતિમ સમયે પોતાનાં માતાને યાદ કરતા આ ફાનિ દુનિયાને અલવિદા કરી હતી. બોલિવૂડથી હોલિવૂડ સુધી પોતાના અભિનયથી લોકોના દિલો પર રાજ કરનાર ઇરફાનખાનનો પરિવાર આ વખતે ભારે ગમગીન છે. ત્રણ દિવસ પહેલા જ ઇરફાનખાનની ૯૫ વર્ષીય માતાએ લાંબી માંદગી બાદ દુનિયાને અલવિદા કહ્યું હતું. માતાને છેલ્લી ઘડીએ નહીં જોઇ શકવાનું તેમને એટલું દુઃખ હતું કે આજે દુનિયાને અલવિદા કરતી વખતે પણ તેમના જીભે માતાના જ શબ્દો હતા. આજે સવારે તેઓ હોસ્પિટલમાં જીવન માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે ઓચિંતા ઇરફાનખાને તેમનાં પત્ની સુતાપા સિકદરને બતાવ્યું હતું કે ‘અમ્મા કમરે મે થીં. તેમને એવું લાગી રહ્યું હતું કે તેઓ પોતાના મોતના દર્દને હળવું કરવા માટે આવ્યાં હતાં.’ ઇરફાને સુતાપાને કહ્યું – ‘દેખો, વોહ મેરી તરફ બેઠીં હેં, અમ્મા મુઝે લેને આઇ હેં.’ આ સાંભળીને સુતાપા ખરાબ રીતે રડવા લાગ્યા હતાં. આ અંતિમ શબ્દો સાથે પૃથ્વીનો એક સિતારો હંમેશ હંમેશ માટે તૂટીને બીજી દુનિયામાં જતો રહ્યો.