સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસ મધ્યે ચેનલના અર્નબ ગોસ્વામી, પ્રદીપ ભંડારી અને નાવિકા કુમાર વિરૂદ્ધ શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અક્ષયકુમાર, અજય દેવગન, રોહિત શેટ્ટી, આશુતોષ ગોવારિકર, આદિત્ય ચોપડા, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર, કરણ જોહર, અનુષ્કા શર્મા, સાજીદ નડિયાદવાલાએ મોરચો માંડ્યો
ફરિયાદીઓમાં ૧૩૦ સભ્યોવાળું પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા, ટોચના બોલિવૂડ સ્ટુડિયો, બ્રોડકાસ્ટર્સ અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, ખાનગી કંપનીઓ અને ઉદ્યોગ કોર્પોેરેટ પણ સામેલ થયા, બોલિવૂડને ગંદું, મેલું, બદમાશ, નશાખોર ગણાવી હલકી મજાક કરનારા મીડિયા હાઉસ પર અંકુશ લગાવવા માગ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
બોલિવૂડના ટોચના ફિલ્મ મેકર્સ અને પ્રોડ્યુસર્સે સોમવારે દિલ્હી હાઇકોર્ટમાં ચોક્કસ મીડિયા હાઉસ દ્વારા બેજવાબદાર રિપોર્ટિંગ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સુશાંત સિંહ રાજપૂતના મોત અંગેની તપાસ ફરતે કરાયેલા રિપોર્ટિંગ સંદર્ભે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ટાઇમ્સ નાઉ તથા રિપબ્લિક ટીવી તથા ચેનલના અર્નબ ગોસ્વામી અને પ્રદીપ ભંડારી સામે કરાઇ છે. આ ઉપરાંત ટાઇમ્સ નાઉ તથા તેના ટોચના એન્કર રાહુલ શિવશંકરનો પણ આ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ ફરિયાદમાં ચાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને ૩૪ પ્રોડ્યુસર્સ સહિત પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા પણ સામેલ છે. પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયામાં ૧૩૦ સભ્યો છે જેમાં ટોચના બોલિવૂડ સ્ટુડિયો, બ્રોડકાસ્ટર્સ અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પણ સામેલ છે. આમાં ટોચના પરિવારના અંગત બેનર, ખાનગી કંપનીઓ અને હિંદી ફિલ્મ ઉદ્યોગના કોર્પોરેટ સ્ટુડિયો સામેલ છે. જે અભિનેતાઓએ ફિલ્મ પ્રોડક્શન કંપનીઓ સ્થાપી છે તેમણે પોતાના નામ સાથે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે જેમાં અક્ષય કુમાર, શાહરૂખ ખાન, સલમાન ખાન, અજય દેવગન, આમિર ખાન અને અનુષ્કા શર્માનો પણ સમાવેશ થાય છે. ગિલ્ડ સભ્યોના જાણીતા સભ્યોમાં રોહિત શેટ્ટી, કબિર ખાન, વિધુ વિનોદ ચોપડા, રમેશ સિપ્પી, રાકેશ રોશન, આશુતોષ ગોવારીકર, રિતેશ દેશમુખ, સાજીદ નડીયાદવાલા, લવ રંજન, સિદ્ધાર્થ રોય કપુર, વિશાલ ભારદ્વાજ, ઝોયા અખ્તર, રાકેશ ઓમપ્રકાશ મેહરા અને અભિષેક ચૌબેનો પણ સમાવેશ થાય છે.
આ ફરિયાદમાં મોટા બજેટની બે ફિલ્મો સૂર્યવંશી અને ૮૩ને ટૂંક સમયમાં જ રિલીઝ કરનારી કોર્પોરેટ સ્ટુડિયો રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ પણ સામેલ છે. જોકે, ટોચના નામોમાંથી એક નામ ગુમ છે તે રોની સ્ક્રૂવાલાનો છે. સ્ક્રૂવાલા ઇન્ડિયન એરફોર્સ ફાઇટર પાઇલટ તરીકે કંગના રાનૌતની ભૂમિકાવાળી ‘તેજસ’ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફરિયાદમાં સામેલ અભિનેતાઓ અને ફિલ્મમેકર્સ સામે કંગના રનૌતે સુશાંત સિંહ રાજપૂતના મોત કેસ દરમિયાન ગંભીર આરોપ લગાવ્યા હતા. આ ફરિયાદમાં અરજદારોએ કહ્યું છે કે, ચેનલો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને બોલિવૂડ અને તેના સભ્યો વિરૂદ્ધ બેજવાબદાર, વાંધાજનક અને અપમાનજનક ટીપ્પણીઓથી દૂર રાખવાનો આગ્રહ કરાયો છે. ફરિયાદમાં ખાસ ઉલ્લેખ કરાયો છે કે, ટાઇમ્સ નાઉ અને રિપબ્લિક ટીવીએ બોલિવૂડ માટે અત્યંત અપમાનજનક શબ્દોનો ઉપોયગ કર્ય છે જેમ કે, ગંદુ, મેલું, બદમાશ, નશાખોર અને એવું પણ કહ્યું છે કે, આ દેશની સૌથી ગંદી ઇન્ડસ્ટ્રી છે તેવું ચીતર્યું હતું. આ ઉપરાંત બોલિવૂડને કોકેઇન અને એલએસડીથી ભરપૂર ગણાવ્યું હતું.
આ ફરિયાદકર્તાઓએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા કેસની તપાસના મીડિયા રિપોર્ટિંગ વિરૂદ્ધ સંપૂર્ણ પ્રતિબંધની માગ નથી કરી પરંતુ કેટલીક ગેરવાજબી ટીપ્પણીઓ સામે વાંધો ઉઠાવ્યો છે. અરજદારોએ આરોપીઓ વિરૂદ્ધ માત્ર લાગુ કરાયેલા કાયદાઓનું ઉલ્લંઘન કરનારી સામગ્રીની રિપોર્ટિંગ અને પ્રકાશન કરવાની વિરૂદ્ધ નિરંતર અને અનિવાર્ય રોક લગાવવાની માગ કરી છે. ૧૭મી સપ્ટેમ્બરે દિલ્હી હાઇકોર્ટે અભિનેત્રી રકુલપ્રીત સિંહ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદને આધારે મીડિયા હાઉસની પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવાના નિર્દેશ કર્યા હતા જેમાં રકુલને ડ્રગ કેસમાં ઢસડવામાં આવી રહી હતી અને આ કેસમાં રિયા ચક્રવર્તીને મુખ્ય આરોપી દર્શાવાઇ છે. રકુલે દાવો કર્યો હતો કે, મીડિયા રિપોર્ટિંગ માહિતી તથા પ્રસારમ મંત્રાલયના દિશાનિર્દેશોની વિરૂદ્ધ છે.
ફરિયાદીઓએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મીડિયા ટ્રાયલ તથા તેના સભ્યોની ગોપનિયતા સામે સવાલ કરનારા મીડિયા પર અંકુશ લગાવવાની પણ માગ કરી છે. જોકે, તેમણે સુશાંત સિંહ રાજપૂત કેસ પર પડદો નાખવા નથી કહ્યું પરંતુ કાયદાનો ભંગ કરતી ન્યૂઝ ચેનલો પર લગામ કસવાની માગણી કરી છે. તેઓની માગણી છે કે, આ ચેનલો બોલિવૂડ વિરૂદ્ધ તેમના દ્વારા રજૂ કરાયેલા વાંધાજનક કન્ટેન્ટને પરત ખેંચે તથા જાહેરમાં માફી માગે. આ ફરિયાદમાં પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા, સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશન, એડ-લેબ્સ ફિલ્મ્સ, અજય દેવગન ફિલ્મ્સ, અનિલ કપૂર ફિલ્મ એન્ડ કોમ્યુનિકેશન નેટવર્ક, અરબાઝખાન પ્રોડક્શન, આશુતોષ ગોવારિકર પ્રોડક્શન, એક્સલ એન્ટરટેઇનમેન્ટ, કબિરખાન ફિલ્મ્સ, નડીયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ, રાકેશ ઓમપ્રકાશ મેહરા પિક્ચર્સ, રિલાયન્સ બિગ એન્ટરટેઇનમેન્ટ, રોહિત શેટ્ટી પિક્ચર્સ, રોય કપૂર પ્રોડક્શન્સ, વિનોદ ચોપડા ફિલ્મ અને ભારદ્વાજ ફિલ્મ્સનો સમાવેશ થાય છે. તેમણે આરોપ મુક્યો હતો કે, સીબીઆની તપાસ મધ્યે જ આ ચેનલોએ ખોટાસમાચારો પ્રકાશિત કરીને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની મજાક ઉડાવી હતી.