સુરત, તા.૨૧
બોલીવુડની એક્ટ્રેસ સનાખાને અંકલેશ્વરના મુફ્તી અનસ સાથે નિકાહ કરીને ધાર્મિક પથ પર કાયમી પગરણ માંડ્યું છે. થોડા સમય પહેલાં જ સનાખાને ફિલ્મોને વિદાય કરી ઈસ્લામના માર્ગે આગળ વધવાની ઘોષણા કરી હતી. મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીમાં જન્મેલી સનાખાનનું પ્રાથમિક શિક્ષણ પણ અહીં જ થયું હતું. ૧૯૮૮માં જન્મેલી સનાએ ૨૦૦૫થી ફેમની દુનિયામાં ડગલું માંડ્યું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી તેણે ૧૪ ફિલ્મોમાં એક્ટ્રેસ તરીકે લીડ રોલ કર્યા હતા. યે હી હૈ હાઈ સોસાયટીથી બોલિવુડમાં ડગલું માંડનાર સનાખાન ૨૦૧૨માં ચર્ચામાં આવી હતી જ્યારે બીગબોસમાં તે એક પાર્ટિસિપન્ટ બની હતી અને સેકન્ડ ફાઈનલિસ્ટ સુધી પહોંચી હતી. તાજેતરમાં જ ઓક્ટોબર મહિનામાં તેણે ફેમની દુનિયાથી વિદાય લઈને ઈસ્લામે બતાવેલા માર્ગ પર ચાલવાની ઘોષણા કરીને તમામને ચોંકાવી દીધા હતા. પ્રારંભિક તબક્કામાં તેની આ ઘોષણા ફિલ્મી સ્ટંટ કે રાજકારણીઓના જુમલા જેવી લાગતી હતી પરંતુ તેણે એક પગલું વધુ આગળ વધીને અંકલેશ્વરના મુફ્તી અનસ સાથે નિકાહ કરીને પોતાની ઘોષણાને સાર્થક કરી બતાવી છે. ગઈકાલે અત્યંત સાદગીથી થયેલા નિકાહમાં બંનેના પરિજનો સિવાય બે-ચાર ખાસ મિત્રો જ સામેલ હતા.