(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
નિઝર ઉચ્છલ રોડ પર આવતા નિઝરના વેલ્દા ટાંકી પાસે મહારાષ્ટ્રના નવાપૂર તાલુકાના નિઝામપૂર ગામથી સવારે તળોદા તાલુકાના બેડાપાડા ગામે કોઈ પ્રસંગે જવા માટે નીકળેલી રિક્ષાને પીકઅપ બોલેરોએ ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ૨ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં નંદુરબાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ૩ બાળક અને ૧ મહિલા અને ૧ પુરૂષને નાની-મોટી ઈજા થતાં નિઝરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ભાઈ-બહેનનાં મોત નીપજ્યા હતા.
નિઝર તાલુકાના વેલ્દા ટાંકી પાસે મહારાષ્ટ્રના નવાપૂર તાલુકાના નિઝામપૂર ગામથી ૧૦ જેટલા પેસેન્જર ભરીને તલોદાના બેડાપાડા ગામે કોઈ પ્રસંગે જતા હોય, ત્યારે નિઝર તાલુકાના બોરદા ગામથી થઈને વેલ્દા ગામની પાણી ટાંકી પાસે આવીને આશરે ૧૧ વાગ્યે રોડની સાઇડે એમએચ-૩૯-જે-૪૬૭૬ નંબરની પિયાગો રિક્ષા ઊભી કરીને રિક્ષામાં બેસીને નાસ્તો કરતા હતા, તે દરમિયાન કુકરમુંડા તરફથી એમએચ-૩૯-સી-૯૬૯૬ નંબરની સફેદ કલરની પીકઅપનો ચાલક રોંગ સાઇડથી પૂરઝડપે અને હંકારી લાવી સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવીને ઊભેલી રિક્ષાને જોરદાર ટક્કર મારી દેતા રિક્ષામાં બેસેલા પેસેન્જરોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પરિવાર સાથે લગ્નમાં જતી નૂતનને ઊલટીઓ શરૂ થતાં રિક્ષા રોડ બાજુએ ઊભી રખાઈ હતી. આ દરમિયાન બોલેરોનો ચાલક પૂરપાટ આવી સામેથી અડફેટે લેતાં ચીચિયારીઓથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. આ અકસ્માતની ઘટના બનતા સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી ઈજાગ્રસ્તોને નિઝરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના નંદુરબારના નિઝામપૂરામાં રહેતી ૨૧ વર્ષીય નૂતન અનિલભાઈ વસાવે અને ભાઈ ૨૦ વર્ષીય યશરાજનું મોત નીપજ્યું હતું. અનિલ વસાવેને ત્રણ સંતાનો હતા, બે દીકરીઓ અને એક દીકરીમાંથી એક દીકરા અને દીકરીને એક્સિડન્ટમાં ગુમાવ્યા હતા. એકના એક સંતાનને ગુમાવતા પરિવારમાં શોકની કાલિમાં છવાઈ ગઈ છે. આ અકસ્માતમાં ૮ વર્ષીય કિંજલ યોગેશભાઈ વાળવી, વંકર વેસ્તાભાઈ પાડવી, ૫૦ વર્ષીય લીલાબેન શંકરભાઇ વાળવી, ૪ વર્ષીય પ્રણાલ વિકાસ વસાવે અને ૪૨ વર્ષીય અનિલ રૂબજીભાઇ વસાવેને ઇજા પહોંચી છે. આ અકસ્માત જોઈને રોષે ભરાયેલા લોકોએ પીકઅપ ચાલકને પકડી પાડ્યો હતો અને જગ્યા પર જ લોહીલુહાણ થાય એટલી હદે મારમારીને પોલીસને હવાલે કરી દીધો હતો.