(એજન્સી)               તા.૨૯

જુલાઇ મહિનો બોસ્નિયામાં લોકોને ૨૫ વર્ષ પૂર્વેના ઇતિહાસમાં ભાયનક સમયની ગંભીર કડવી યાદો તાજી કરાવે છે. આજથી ૨૫ વર્ષ પૂર્વે ૧૧, જુલાઇના રોજ બોસ્નિયાના સર્બ સૈનિકો અને અર્ધલશ્કરી દળોએ ૮૦૦૦ મુસ્લિમ પુરુષો અને છોકરાઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. મૃતકોમાં મોટા ભાગના ૧૨ વર્ષથી ૭૭ વર્ષની વયજૂથના લોકો હતા. ૧૧, જુલાઇ ૧૯૯૫ના રોજ બોસ્નિયાની રાજધાની સારાયેવોથી ૮૦ કિ.મી. દૂર વસેલા સેપ્રેનિત્સાના લોકોને અંદાજ ન હતો કે આજનો દિવસ તેમને સદીઓ સુધી ભુલાય નહીં એવો જખમ આપનાર છે. લોકો જ્યારે દૈનિક કાર્યોમાં વ્યસ્ત હતા ત્યારે સર્બ સૈનિકોની સેંકડો ગાડીઓ આ શહેરમાં આવી પહોંચી હતી. ગૃહ યુદ્ધનો સામનો કરી રહેલા બોસ્નિયામાં સ્વતંત્રતાની માગને લઇને વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહેલા ૮૦૦૦ મુસ્લિમોને નજીકની રેંજથી ગોળી મારીને ઠાર કરવામાં આવ્યાં હતા. આ નરસંહારની ઘટનાને યાદ કરીને કોવિડ-૧૯ મહામારી હોવા છતાં બોસ્નિયાવાસીઓએ સેપ્રેનિત્સા-પોટોકારી મેમોરીયલ એન્ડ સીમેેટ્રી ખાતે એકત્ર થઇને આ કરૂણાંતિકાને યાદ કરીને નરસંહારમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. ૧૦૦ જેટલા માસ્ક પહેરેલા મહાનુભાવોએ આ મેમોરીયલમાં હાજરી આપી હતી અને વિશ્વના અનેક પૂર્વ અને વર્તમાન નેતાઓએ વીડિયો મેસેજ દ્વારા એકત્ર થયેલ સમુદાયને સંબોધન કર્યુ હતું. અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને જણાવ્યું હતું કે મારા માટે આ હૃદયદ્રાવક ક્ષણ છે. પ્રિન્સ ચાર્લ્સે જણાવ્યું હતું કે આ નરસંહાર એ અપણા સામુહિક અંતરાત્મા પર ભયાનક કલંક છે. બીબીસીએ જણાવ્યું હતું કે સેપ્રેનિત્સા એસોેસિએશન ઓફ મધર્સના પ્રમુખ મુનિરા સુબાસિકે જણાવ્યું હતું કે મારો પ્રથમ સંદેશ આ નરસંહારનો અપરાધ આચરનાર યુદ્ધ અપરાધીઓને છે. અમે તમારો પીછો છોડીશું નહીં. આ અમારો અધિકાર અને ફરજ બંને છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯૨માં યુગોસ્વેલિયાના વિભાજન વખતે બોસ્નિયાના મુસ્લિમો અને ક્રોએશિયાના લોકોએ આઝાદી માટે કરાવવામાં આવેલ જનમત સંગ્રહની તરફેણમાં વોટીંગ કર્યુ હતું ત્યારે સર્બિયાના લોકોએ તેનો બહિષ્કાર કર્યો હતો ત્યારથી સર્બ સમુદાય અને મુસ્લિમ સમુદાય વચ્ચે આ વાતને લઇને વિવાદ શરૂ થયો હતો, જેનું પરિણામ આ ખોફનાક નરસંહારમાં આવ્યું હતું.