(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
શહેરના સહારા દરવાજા પર બૌદ્વ ધર્મના કાર્યક્રમના પોસ્ટર અજાણ્યા ત્રણ જેટલા યુવકોએ ફાંડી નાંખ્યા હોવાની જાણ લોકોના ધ્યાનમાં આવતા મામલો બીચકાયો હતો. ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિને ઝડપી પાડી ઢોર માર મારી પોલીસને હવાલે કરી અજાણ્યા બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ શુક્રવારના રોજ મોડી રાત્રે સહારા દરવાજા પર આગામી ૮મીના રોજ બૌદ્ધ ધર્મના કોઈ કાર્યક્રમના પોસ્ટર લાગ્યાં હતાં. આ પોસ્ટરને ૩ યુવાનો સાથે મળીને ફાડી રહ્યાં હતાં. જેથી સ્થાનિકો અને યુવકો વચ્ચે મામલો બિચકાયો હતો, અને લોકોનો પારો જતાં માર મારવાનું શરૂ કર્યું હતું જેમાં બે યુવકો નાસી ગયા હતાં. જ્યારે એક યુવક લોકોના હાથમાં આવી જતાં તેને મેથીપાક ચખાડાયો હતો. આ દરમિયાન પુણા પોલીસ આવી જતાં યુવકને બચાવ્યો હતો. જેથી સ્થાનિકોએ પોલીસ સાથે જીભાજોડી કરી હતી. આખરે પોલીસે ફરિયાદના આધારે નાસી ગયેલા બન્ને યુવકોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.