રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના આમંત્રણ બાદ PM મોદી ગ્લોબલ સ્ટેબિલિટી, શેર્ડ સિક્યોરિટી એન્ડ ઇનોવેટિવ ગ્રોથ થીમ પર આયોજિત વર્ચ્યુઅલ બ્રિક્સ સંમેલનમાં જોડાયા હતા

(એજન્સી) તા. ૧૮
વડાપ્રધાન મોદીએ મંગળવારે બ્રિક્સ સંમેલનને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ આ દરમિયાન આતંકવાદને દુનિયા માટે સૌથી મોટો પડકાર ગણાવતાં નામ લીધા વિના જ પાકિસ્તાન પર નિશાન તાક્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ આજે વિશ્વ સામે સૌથી મોટી સમસ્યા છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આતંકવાદીઓને સમર્થન અને સહાય કરનારા દેશોને પણ દોષિત ઠેરવવામાં આવે અને આ સમસ્યાનો સામનો સંગઠિત થઈને કરવામાં આવે. પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અઠવાડિયામાં બીજી વખત વર્ચ્યુઅલ મંચ શેર કર્યો હતો. બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા(બ્રિક્સ)ના નેતા કોવિડ-૧૯ની મહામારી વચ્ચે ઇકોનોમિકની રિકવરી અંગે ચર્ચા કરી રહ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના આમંત્રણ બાદ પીએમ મોદી ગ્લોબલ સ્ટેબિલિટી, શેર્ડ સિક્યોરિટી એન્ડ ઇનોવેટિવ ગ્રોથ થીમ પર આયોજિત વર્ચ્યુઅલ બ્રિક્સ સંમેલનમાં જોડાયા હતા. પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ, વિશ્વ વેેપાર સંગઠન અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જેવા બહુપક્ષીય સંસ્થાનોમાં ધરખમ ફેરફાર પર ભાર મૂકતાં કહ્યું કે આ સંસ્થાઓની ક્રેડિબિલિટી અને વિશ્વસનીયતા સામે હવે સવાલો ઊભા થવા લાગ્યા છે. આ જ કારણ છે કે સમયની સાથે તેમાં પણ ફેરફાર કરવાની જરુર છે. આ સંગઠનો હાલ પણ ૭પ વર્ષ જૂની વિચારધારા પણ આગળ વધી રહ્યાં છે. ભારતીય સુરક્ષા પરિષદમાં સુધારાની જરુર છે. તેમાં અમને બ્રિક્સના સાથીઓના સહયોગની જરુર છે. પીએમ મોદીએ કહ્યું કે અમે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એક વેપાર સુધાર પ્રક્રિયાને શરુ કરી દીધી છે. આ અભિયાન વિશ્વાસ પર આધારિત છે.