બેંગ્લુરૂમાં ત્રણ, હૈદરાબાદમાં બે અને પૂણેની લેબના સેમ્પલમાં નવા સ્ટ્રેન જોવા મળ્યા, બ્રિટનથી પરત ફરેલા તમામ લોકોને સિંગલ આઇસોલેશન રૂમમાં રખાયા, સંપર્કમાં આવેલા શંકાસ્પદોને પણ ક્વોરન્ટાઇન કરી દેવાયા
સંક્રમિત લોકોના સહપ્રવાસીઓ, તેમના પરિવારો અને અન્ય લોકોની શોધખોળ ચાલુ કરાઇ, ૨૫ નવેમ્બરથી ૨૩ ડિસેમ્બર વચ્ચે બ્રિટનથી ૩૩ હજારથી વધુ પ્રવાસી ભારતમાં આવ્યા જેમાંથી ૧૧૪ કોરોના સંક્રમિત હતા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
બ્રિટન સહિત સમગ્ર યુરોપને હચમચાવી નાખનારા કોરોના વાયરસના નવા સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી થઇ ચૂકી છે. ભારતમાં કોરોના વાયરસના બ્રિટન જેવા નવા સ્ટ્રેનના કુલ ૬ કેસ મળ્યા છે. આજે ભારત સરકારની તરફથી આ વાતની માહિતી અપાઇ છે. યુકેથી પાછા આવેલા ૬ લોકોમાં આ નવા સ્ટ્રેન જોવા મળ્યા છે. તેમાંથી ૩ બેંગલુરૂ , ૨ હૈદ્રાબાદ અને એક પૂણેની લેબના સેમ્પલમાં નવા સ્ટ્રેન જોવા મળ્યા. યુકેથી આવેલા લોકોના જીનોમ સ્કિવેંસિંગ કરાયા હતા, તેનો રિપોર્ટ મંગળવારે રજૂ કરાયો. જેમાં અલગ-અલગ લેબમાં ટેસ્ટ કરાયેલા સેક્શન અંગે જણાવ્યું. આ તમામ લોકોને સિંગલ આઇસોલેશન રૂમમાં રખાયા છે. તેમના સંપર્કમાં આવનારા નજીકના લોકોને પણ ક્વારેન્ટાઇન કરી દેવાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, બેંગ્લુરૂ ખાતેની નિમહાંસ, હૈદરાબાદ ખાતેની સીસીએમબી અને પૂણેની એનઆઇવીમાં તપાસ માટે આવેલા નમૂનાઓમાં વાયરસનું નવું સ્વરૂપ(કોવિડ-૧૯ સ્ટ્રેન) જોવા મળ્યું છે. નોંધનીય છે કે, સૌથી પહેલાં બ્રિટનમાં મળેલા વાયરસનું નવું સ્વરૂપડેન્માર્ક, હોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇટાલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબેનોન અને સિંગાપુરમાં પણ મળી આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ૩૩૦૦૦ પેસેન્જર યુકેથી ભારતના અલગ-અલગ એરપોર્ટ પર ૨૫ નવેમ્બરથી ૨૩ ડિસેમ્બરની વચ્ચે આવ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં ૧૧૪ કોરોના સંક્રમિત મળ્યા છે. તેમના સેમ્પલને જ્યારે જિનોમ સીક્વેંસિંગ માટે મોકલ્યા તો છમાં નવા સ્ટ્રેન મળ્યા. ત્યારબાદ આ તમામના સેમ્પલોને દેશની ૧૦ લેબ (કોલકત્તા, ભુવનેશ્વર, એનઆઇવી પૂણે, સીસીએસ પૂણે, સીસીએમબી હૈદરાબાદ, સીસીએફડી હૈદરાબાદ, ઇનસ્ટેમ બેંગલુરૂ, એનઆઇએમએચએએનએસ બેંગ્લુરુ, આઇજીઆઇબી દિલ્હી, એનસીડીસી દિલ્હી)માં મોકલાયા હતા. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનને લઇ વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે આ ૭૦ ટકા ઝડપથી ફેલાય છે, આ જ કારણ છે કે તેને લઇ ઘણા સમયથી સતર્કતા વધારી દેવામાં આવી છે. જે કંપનીઓ વેક્સીન બનાવી રહી છે તેમનું કહેવું છે કે કોરોનાના નવા સ્ટ્રેનની વેક્સીનના નિર્માણ પર અસર થશે નહીં. વૈજ્ઞાનિકોએને હજી સુધી કોરોના વાયરસના આ નવા વેરિએન્ટ (બી.૧.૧.૭) વિશે વધુ માહિતી મળી નથી. હાલમાં તેના જીનોમ સ્ટ્રક્ચર પર સંશોધન ચાલી રહ્યું છે. વૈજ્ઞાનિકો હજી પણ તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું આ મ્યુટેશનથી વાયરસ વધુ ખતરનાક થઇ રહ્યો છે કે પછી નબળો પડી રહ્યો છે. નવા સ્ટ્રેન ખૂબ જ ચેપી છે. તેનાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કોરોના કેસોમાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. એટલે કે સામાન્ય તાણ કરતા ત્રણ ગણો વધુ ચેપી છે. કોરોનાનું નવું સ્ટ્રેન કેટલું જોખમી છે તે સ્પષ્ટ નથી. ખેર વધુ ચેપી થવાથી જોખમી તો છે જ, કારણ કે તેનાથી લોકોમાં ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. આ વેરિએન્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ૨૩ વખત મ્યુટેશન થયું છે જે આશ્ચર્યજનક છે.