(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૫
ભારતે આગામી ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને આમંંત્રણ મોકલ્યું હતું જેને જોનસને સ્વીકાર કરી લીધું છે. બોરિસ જોનસન ૨૬ જાન્યુઆરીના રોજ ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લેશે. બ્રિટનના વિદેશ સચિવ તરફથી મંગળવારે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. ટોચની સમાચાર એજન્સી અનુસાર જોનસનની ઓફિસ તરફથી તેમનું નિવેદન જારી કરવામાં આવ્યું છે જેમાં તેમણે ભારત આવવા માટે ઉત્સાહ દર્શાવ્યો છે. સત્તાવાર નિવેદનમાં તેમણે કહ્યું છે કે, હું આગામી વર્ષે ભારત આવવા માટે અત્યંત ખુશ છું. આ ગ્લોબલ બ્રિટન માટે એક ઉત્સાહજનક વર્ષની શરૂઆત છે. હું ભારત સાથે બંને દેશોના દ્વીપક્ષીય સંબંધોને નવી ઊંચાઇઓ પર પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરાયેલા વાયદાઓને પૂરા કરવા માટે ઉત્સુક છું. આ દરમિયાન બ્રિટનના વિદેશ સચિવ ડોમિનિક રાબે કહ્યું હતું કે, બોરિસ જોનસને પણ વડાપ્રધાન મોદીને બ્રિટનમાં આગામી વર્ષે યોજાનારી જી-૭ શિખર બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. ત્રણ મહેમાન દેશોમાંથી ભારત એક હશે. રાબ ચાર દિવસની ભારત મુલાકાતે પહોંચ્યા ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે તેમનું સ્વાગત કર્યું હતું. બોરિસ જોનસને બ્રિટનની સત્તા સંભાળ્યા બાદ તેમનો આ પ્રથમ ભારત પ્રવાસ હશે. આ સાથે જ તેઓ ભારતની સ્વતંત્રતા બાદથી જ ગણતંત્ર દિવસ પર ભારતના ગેસ્ટ ઓફ ઓનર બનનારા બીજા બ્રિટનના નેતા હશે. આ પહેલા ૧૯૯૩માં જોન મેજર આવ્યા હતા. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનું ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સામેલ થવાનું નિમંત્રણ સ્વીકાર કરવું ભારત અને બ્રિટનના સંબંધોમાં નવા યુગનું પ્રતીક હશે. ભારત દરેક વખતે પોતાના સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો અને મહેમાનોને આમંત્રિત કરે છે પરંતુ કોરોના વાયરસને પગલે આ વખતે બધું બદલાયેલું છે. સ્વતંત્રતા દિવસ અત્યંત સાદગી અને મહત્વના ફેરફારો સાથે મનાવાયો હતો. આવામાં હવે એ જોવાનું રહેશે કે ભારતમાં કોરોના વાયરસના કેસોમાં એકદમ ઘટાડો જોવામાં આવી રહ્યો છે તો શું ગણતંત્ર દિવસ પર કેટલીક છૂટછાટ અપાશે કે પછી તે પણ સ્વતંત્રતા દિવસની જેમ મનાવાશે.
Recent Comments