(એજન્સી) લંડન, તા.૬
હાલ આખું વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. વૈશ્વિક સ્તરે આ મહામારીએ અત્યાર સુધી ૩.૯૮ લાખ લોકોના જીવ લીધા છે. જ્યારે ૬૮ લાખથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત છે. વિશ્વના વિવિધ દેશ આ વાયરસની વેક્સીન શોધવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી કોઈને ૧૦૦ ટકા સફળતા નથી મળી. ત્યારે હવે એવી માહિતી મળી છે કે બ્રિટેનની એક જાણીતી દવા કંપનીએ સંભાવિત વેક્સીનનું મેન્યુફેક્ચરિંગ શરૂ પણ કરી દીધું છે. એક મીડિયા રિપોર્ટ મુજબ ડ્રગ કંપની AstraZeneca Plc કંપનીના પાસ્કલ સોરિઅટના હવાલાથી આ અંગે માહિતી આપવામાં આવી છે કે કોરોના વાયરસ વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે પરંતુ કંપનીએ પ્રોડક્શન એટલા માટે શરૂ કર્યું છે કે ત્વરિત ધોરણે ડિમાન્ડ પૂરી કરવામાં મદદ મળે. રિપોર્ટ પ્રમાણે સોરિએટ કહ્યું,‘અમે અત્યારથી જ વેક્સીનનું પ્રોડક્શન શરૂ કર્યું છે. જ્યારે પરિણામ મળશે ત્યાં સુધી અમે વેક્સીન સાથે તૈયારી થઈ જઈશું.’ કંપનીએ જણાવ્યું કે કોવિડ ૧૯ વેક્સીનના ૨ અબજ ડોઝ તૈયાર કરાવશે. રિપોર્ટ મુજબ પાસ્કલ સોરિએટે કહ્યું કે આ નિર્ણય અમારા માટે જોખમ સમાન છે. પરંતુ આ એક ફાઇનાન્શિયલ રિસ્ક છે. અમને નુકસાન ત્યારે જ થશે જ્યારે વેક્સીન કામ નહીં કરે. ત્યારે અમારું બધું મેટિરિયલ અને બધી વેક્સીન બેકાર થઈ જશે. તેમણે કહ્યું કે વેક્સીનથી અમે નફાનું નથી વિચારી રહ્યા. જો આ કામ કરશે તો કંપની લગભગ ૨ અબજ ડોઝ તૈયાર કરશે.