(એજન્સી) તા.ર૭
બ્રિટનમાં ગાયની સાથે યોગ કરવાની કસરત યોજાતા બ્રિટનમાં રહેલાં હિંદુઓની ધાર્મિક લાગણી દુભાઇ હોવાનો આરોપ મૂકાયો હતો. હિંદુઓનું કહેવું હતું કે આ રીતે હિંદુ ધર્મની મશ્કરી અને મજાક કરાઇ રહી છે. જો કે આ મુદ્દે વિવાદ થતાં આ કસરતનું આયોજન કરનાર આયોજકે હિન્દુઓની માફી માંગી લીધી હતી.
બ્રિટનની લેંકેશાયર ડેરી દ્વારા યોગા વીથ કાઉ (ગાય સાથે યોગ) સેસન યોજાયું હતું, પરંતુ તેની આ હરકતના પગલે વિવાદ સર્જાયો હતો કે ગાયની સાથે યોગ કરવાથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઇ છે કે નહીં. લેંકેશાયર ફાર્મ ડેરીએ લેલેન્ડ ખાતે આવેલા એક ફાર્મમાં છ લોકોને સાથે રાખીને ગાયની સાથે યોગ કરવાની કસરત હાથ ધરી હતી, એટલું જ નહીં પરંતુ ડેરીએ સાથે એવી પણ જાહેરાત કરી હતી કે બ્રિટનમાં આ પ્રકારનું સૌ પ્રથમ યોગનું સેશન છે. આ સેશનમાં ભાગ લેનારા લોકો ગ્રામ્ય વિસ્તારનું પ્રાકૃતિક સૌંદર્ય માણતા દેખાય છે અને ગાયોની સાથે યોગના જુદા-જુદા આસનો કરતાં પણ જોઇ શકાતા હતા. ડેરીનું માનવું છે કે કુદરતના ખોળે હરવા-પરવાથી અને પ્રાણીઓના સાનિધ્યમાં રહેવાથી માનસિક તાણમાં ઘટાડો થાય છે. ડેરી તરફથી આ તમામ પ્રવૃત્તિઓના વીડિયો રિલિઝ કરાયા હતા.
અમેરિકાના નેવાડા રાજ્યમાં રહેતાં અને યુનિવર્સલ સોસાયટી ઓફ હિંન્દુઇઝમના પ્રમુખ તથા વ્યવસાયે પૂજારી રાજન ઝેદના ધ્યાને આ વીડિયો આવ્યો હતો. તેમણે લેંકેશાયર ડેરી દ્વારા યોજાયેલા આ યોગ સેશનની આકરી ટીકા કરી હતી અને આરોપ મૂક્યો હતો કે આ પ્રકારની હરકતથી હિંદુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છે કેમ કે હિંદુ ધર્મમાં ગાયને પવિત્ર પ્રાણી માનવામાં આવે છે અને યોગ એ વૈદિક સંસ્કૃતિનું એક મહત્ત્વનું અંગ છે.
તેમણે તાત્કાલિક લેંકેશાયર ડેરીને લખ્યું હતું કે તે આ પ્રકારનું યોગ સેસન તાત્કાલિક રદ કરી નાંખે કેમ કે તેમનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ ઉપર હજારો લોકોએ જોયો છે અને તેઓ પણ મોટી સંખ્યામાં ગાય સાથે યોગની કસરત કરવા ફાર્મ ઉપર પહોંચી જશે જેના પગલે વિવાદનું મોટુ વંટોળ સર્જાશે. ગાયમાં હિંદુ ધર્મના અનેક દેવ-દેવીઓનો વાસ રહેલો છે અને સદીઓથી ગાયને હિંદુ ધર્મમાં એક પવિત્ર પ્રાણી માનવામાં આવી છે, તેથી તેને લોકોના મનોરંજનનું સાધન ન બનાવાય એમ ઝેદે યુકેની હફપોસ્ટને કહ્યું હતું.
આ કિસ્સામાં વધઉ વિવાદ વકરે તે પહેલાં જ લેંકેશાયર ડેરીના બ્રાન્ડ મેનેજર જેક મોરિસને ઇ-મેઇલ દ્વારા ઝેદની ફરિયાદનો જવાબ આપ્યો હતો અને તેમના આ યોગ સેશન થઈ કોઇની ધાર્મિક લાગણી દુભાઇ હોય તો માફી પણ માંગી હતી. જો કે યુકેની હિંદુ કાઉન્સિલના એક સભ્ય અ હિંદુ નેતા સત્યા મિન્હાસે કહ્યું હતું કે અમેરિકાના પૂજારીએ વાંધો ઉઠાવ્યો તે જોઇને મને આશ્ચર્ય થાય છે કેમ કે આ પ્રકારના યોગ સેશનમાં કશું વાંધાજનક નથી કેટલીક મહિલાઓ તેમની પાછળ ઉભેલી ગાયો સાથે યોગ કરે છે કેમાં કશું વાંધાજનક નથી, આ કંપની ગાયનું માંસ નહી પરંતુ દૂધ-દંહીનું વેચાણ કરે છે.