(એજન્સી) વોશિંગ્ટન,તા. ૨૬
ટ્રમ્પ વહીવટીતંત્રએ આજે આક્રમક કાર્યવાહી કરીને ૬૦થી વધારે રશિયન રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી દીધી હતી. સાથે સાથે સિએટલ સ્થિત રશિયન દૂતાવાસને બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો. અમેરિકા અને યુરોપિયન દેશોએ રશિયાને બોધપાઠ ભણાવવાના હેતુસર આ પગલું લીધું હોવાના અહેવાલ મળ્યા છે. એવા આક્ષેપ છે કે, બ્રિટનમાં પૂર્વ જાસુસને ઝેર આપી દેવાના મામલામાં રશિયાનો પણ હાથ હતો. ટ્રમ્પ વહીવટીતંત્રના એક અધિકારીએ કહ્યું છે કે, તમામ ૬૦ રશિયન અમેરિકામાં રાજદ્વારી છત્ર હેઠળ જાસુસી કરી રહ્યા હતા. આમાથી આશરે એક ડઝન સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના મિશન ઉપર તૈનાત હતા. અધિકારીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ટ્રમ્પ વહીવટીતંત્રએ કઠોર પગલા લઇને રશિયન નેતાઓને સંદેશ આપી દીધો છે કે, આ પ્રકારના મામલાઓને ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. હકાલપટ્ટી કરવામાં આવેલા રશિયન અધિકારીઓ પાસે દેશ છોડવા માટે સાત દિવસનો સમય છે. અમેરિકી અધિકારીઓએ કહ્યું છે કે, કોઇ કારણોસર આ લોકોના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી રશિયા અને પ્રમુખ વ્લાદીમીર પુટિનની સામે લેવામાં આવેલા પગલામાં આને સૌથી મોટા પગલા તરીકે ગણવામાં આવે છે. એક સપ્તાહ પહેલા જ ટ્રમ્પે ફોન કરીને પુટિનને ફરી ચૂંટાઈ આવવા બદલ અભિનંદન આપ્યા હતા પરંતુ આ વાતચીત દરમિયાન જાસુસીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો.
નર્વ એજન્ટ હુમલો : ક્રેમલિને કહ્યું અમેરિકાએ રાજદૂતોને કાઢી મુકયા તેના જવાબ અંગે પુતિન નક્કી કરશે
બ્રિટનમાં રશિયાના પૂર્વ એજન્ટને ઝેર આપવા મુદ્દે રશિયાના રાજદૂતોને કાઢી મુકલાના પૂર્વના દેશોના નિર્ણય પર રશિયાએ ખેદ વ્યક્ત કર્યો છે અને મોસ્કો પરસ્પરના સિદ્ધાંતોના આધારે જવાબ આપશે તેમ પ્રવક્તા ક્રેમલિને જણાવ્યું હતું. દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, રશિયાના પ્રતિનિધિઓને કાઢી મુકવાના નિર્ણય અંગે અંતિમ નિર્ણય પ્રમુખ પુતિન જ લેશે જેમાં ઇંગ્લેન્ડના સેલ્સીબરી શહેરમાં પૂર્વ જાસૂસ સર્જેઇ સ્ક્રીપાલ પર હુમલો કરવા માટે નર્વ ગેસના હુમલાનો આદેશ અપાયો હતો. રશિયાએ આ હુમલામાં પોતાના હાથ હોવાના બ્રિટનના દાવાને ફગાવ્યો છે. આ પહેલા સોમવારે ક્રેમલિને કહ્યું હતું કે, નર્વ એજન્ટ હુમલા અંગે રશિયાના રાજદ્વારીઓને કાઢી મુકવાના અમેરિકાના નિર્ણય અંગે રશિયા વળતો જવાબ આપશે.