(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
દિલ્હી વિધાનસભા સત્રમાં નવા કૃષિ કાયદાને લઇને સીએમ અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા. આ દરમિયાન કેજરીવાલે કૃષિ કાયદાની કૉપી પણ ફાડી. તેમણે કહ્યું કે, સરકાર હજુ કેટલા જીવ લેશે ? અત્યાર સુધી ૨૦થી વધારે ખેડૂતો આ આંદોલનમાં શહીદ થઈ ચુક્યા છે. એક-એક ખેડૂત ભગત સિંહ બનીને આંદોલનમાં બેઠો છે. અંગ્રેજોથી પણ ખરાબ ના બને સરકાર. સીએમે કહ્યું કે, યોગી આદિત્યનાથે બરેલીમાં રેલી કરી અને ત્રણ બિલોના ફાયદા સમજાવવા લાગ્યા કે તમારી જમીન નહીં જાય, મંડી બંધ નહીં થાય.
કેજરીવાલે કહ્યું કે, ભાજપવાળા જણાવે કે આ કાયદાના ફાયદા શું છે ? ભાજપવાળાઓને એક લાઇન ગોખાવી દેવામાં આવી છે કે, ખેડૂત દેશમાં ક્યાંય પણ પાક વેચી શકે છે. હવામાં વાત કરવાથી શું થશે ? ખેડૂતોને નહીં ભાજપાઈઓને ભ્રમિત કરવામાં આવ્યા છે, ભાજપાઈઓને અફીણ ખવરાવી દેવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સુપ્રીમ કૉર્ટમાં અમારા વકીલે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે.
કોરોનાકાળમાં ઑર્ડિનેન્સ પાસ કર્યું ? પહેલીવાર રાજ્યસભામાં વૉટિંગ વગર ૩ કાયદાને પાસ કરી દેવામાં આવ્યા ? આ કાયદા ભાજપના ચૂંટણી ફંડ માટે બન્યા છે. સીએમે કહ્યું કે, દિલ્હી વિધાનસભા કેન્દ્રના કૃષિ કાયદાને ફગાવી રહી છે. કેન્દ્ર સરકાર અંગ્રેજોથી પણ ખરાબ ના બને અને કાયદા પાછા ખેંચે. દિલ્હી વિધાનસભામાં કૃષિ કાયદાઓને નિરસ્ત કરવાનો સંકલ્પ પત્ર સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “ભાજપવાળા કહે છે કે, ખેડૂતો પોતાનો પાક આખા દેશમાં વેચી શકે છે. ધાન્યની સ્જીઁ ૧૮૬૮ રૂપિયા છે, આ બિહાર અને ઉત્તર પ્રદેશમાં ૯૦૦-૧૦૦૦ રૂપિયામાં વેચાઇ રહ્યું છે. મને જણાવી દો કે આ ખેડૂતો દેશમાં પોતાનો પાક ક્યાં વેચીને આવ્યા છે ?”
તેમણે કહ્યું કે, “કેન્દ્ર સરકાર કહી રહી છે કે ખેડૂતોને કૃષિ કાયદાના ફાયદા સમજમાં નથી આવી રહ્યા આ માટે પોતાના દિગ્ગજ નેતાઓને ઉતાર્યા છે. યોગી આદિત્યનાથ એક રેલીમાં કહી રહ્યા હતા કે આ કાયદાઓથી કોઈની જમીન નહીં જાય, આ ફાયદો છે શું ? યોગી આદિત્યનાથજીને પણ નથી ખબર આ કાયદાનો ફાયદો. એ આખું ભાષણ હતું કે, ખેડૂતોને જણાવવાનું છે કે આ કાયદાના ફાયદા શું છે. ભાજપવાળાઓને અફીણ ખવરાવી દેવામાં આવ્યું છે.