બ્રિસ્બેન, તા. ૨૨
બ્રિસ્બેન ખાતે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે આજે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવીને ૩૧૨ રન કરી લીધા હતા. ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર ૧૫૧ રન કરીને હાલ રમી રહ્યો છે જ્યારે બર્ન ૯૭ રન કરીને નર્વસ નાઇન્ટીનો શિકાર થયો હતો. લમ્બુસ્ગે ૫૫ રન કરીને અણનમ છે. પાકિસ્તાનના તમામ બોલરો આજે ફ્લોપ રહ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન વોર્નર અને બર્નની જોડીએ પ્રથમ વિકેટની ભાગીદારીમાં ૨૨૨ રન ઉમેરીને ઓસ્ટ્રેલિયાની સ્થિતિની અતિ મજબૂત કરી દીધી હતી. પાકિસ્તાનની ટીમ પ્રથમ દિવસે જ ઓલઆઉટ થઇ ગઇ હતી. આજે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ઝડપથી બેટિંગ કરી હતી અને પાકિસ્તાનના બોલરોને કોઇ તક આપી ન હતી. પાકિસ્તાન તરફથી એકમાત્ર વિકેટ યાસીર શાહને મળી હતી. યાસીર શાહ ૧૦૧ રન આપીને એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. વોર્નરે ૨૬૫ બોલમાં ૧૦ ચોગ્ગા સાથે અણનમ રન બનાવ્યા હતા. ગઇકાલે બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે શરૂ થયેલી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની સામે પ્રવાસી પાકિસ્તાનની ટીમ માત્ર ૨૪૦ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરો સામે પાકિસ્તાનના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. સ્ટાર્કે બાવન રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જ્યારે કમિન્સે ત્રણ અને હેઝલવુડે બે વિકેટ ઝડપી હતી. ટોસ જીતીને પાકિસ્તાને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આ નિર્ણય તેમના માટે આત્મઘાતી પુરવાર થયો હતો.
બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા જીતની નજીક

Recent Comments