(એજન્સી) તા.ર૦
કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી ગુજરાતની ભાજપ સરકારની ટીકા કરી હતી. મંત્રાલયે કહ્યું હતું કે ગુજરાતની બે નદીઓ સાબરમતી અને તાપીમાં પ્રદૂષણ રોકવા માટે જે યોજનાઓ શરૂ કરવામાં આવી હતી તેમાં વગર કારણે વિલંબ થઈ રહ્યો છે. આ અંગે જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ૪ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પણ લખ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ ર૦૧૪માં ભંડોળ આપવા છતાં સાબરમતી નદીનું પ્રોજેકટ હજી સુધી પુરૂં કરવામાં આવ્યું નથી. જ્યારે કેન્દ્ર પાસેથી ભંડોળ મળ્યાના ૧૬ મહિના પછી પણ તાપી નદીના પ્રોજેક્ટનું કામ શરૂ થયું નથી. નોંધનીય છે કે સાબરમતી અને તાપી નદીમાં પ્રદૂષણ રોકવા માટે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના અંતર્ગત બે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં સરકારે ગંગા બેસિનથી જુદી પડનારી નદીઓમાં પ્રદૂષણની તપાસ માટે ભંડોળ આપ્યું હતું. સાબરમતી નદી માટે વર્ષ ર૦૧૪માં ૪૪૪ કરોડ આપવામાં આવ્યા હોવા છતાં તે પ્રોજેકટ હજી બીજા તબક્કામાં જ છે. શેખાવતે તેમના પત્રમાં કહ્યું હતું કે મારા મંત્રાલયે પ્રોજેકટ પૂર્ણ થવાની સમયમર્યાદાને સપ્ટેમ્બર ર૦૧૮થી વધારી માર્ચ ર૦ર૦ કરી હતી પરંતુ હવે તેને માર્ચ ર૦ર૧ સુધી વધારવામાં આવી છે. આ પ્રકારનો અસામાન્ય વિલંબ રાજ્યને પ્રોજેકટના લાભોથી વંચિત કરે છે. મંત્રાલયના સૂત્રો મુજબ કેન્દ્રોએ તાપી નદી માટે રૂા.૯૭૧.રપ કરોડ ફાળવ્યા હતા. જેમાંથી ૧૩ કરોડ રૂપિયા માર્ચ ર૦૧૯માં જ આપી દેવામાં આવ્યા હતા. શેખાવતે આક્ષેપ કર્યો હતો કે બંને નદીઓ માટેના પ્રોજેકટમાં કોઈ નક્કર કામ થયું નથી.