ગુજરાત એજ્યુકેશન બોર્ડ ઓફ કેથલિક ઈન્સ્ટિટ્યુશન્સ દ્વારા કરાઈ રજૂઆત

અમદાવાદ, તા.૧૮
અમદાવાદ શહેરના મિરઝાપુર વિસ્તારમાં આવેલ ગુજરાત એજ્યુકેશન બોર્ડ ઓફ કેથલિક ઈન્સ્ટિટ્યુશન્સ
સંસ્થાના સેક્રેટરી ફાધર (ડૉ.) ટેલીસ ફર્નાન્ડિઝે ગુજરાતની શાળાઓમાં ધો.૧માં ફરજિયાત અંગ્રેજી અને ધો.૬થી
૧રમાં ગીતાનો અભ્યાસક્રમ દાખલ કરવા મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો હતો.
તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે ૧૭ માર્ચ ર૦ર૦ના રોજ વિધાનસભામાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં
આવેલી જાહેરાત મુજબ ગુજરાતની શાળાઓમાં ધો.૧થી અંગ્રેજી અને ધો.૬થી ૧રમાં ભગવદ્‌ ગીતાના જ્ઞાનનું
શિક્ષણ આપવામાં આવશે. ભારત જ્યારે વૈશ્વિક સ્તરે દરેક ક્ષેત્રમાં પોતાની અગ્રતાને સાબિત કરી રહ્યું છે અને
વેપાર તથા વાણિજ્ય ક્ષેત્રે અંગ્રેજી ભાષાને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વ મળેલું છે. ત્યારે ધો.૧થી અંગ્રેજી વિષય
દાખલ કરવાના સરકારના નિર્ણયને અમારી સંસ્થા યોગ્ય દિશામાં લીધેલું પગલું માને છે તેમ ફાધરે વધુમાં
જણાવ્યું છે.
વધુમાં તેમના જણાવ્યા મુજબ ધો.૬થી ૧રમાં ગુજરાતની શાળાઓમાં ર૦રર-ર૩થી ભગવદ્‌ ગીતાનો પરિચય
કરાવવો એ કોઈ વિવાદનો મુદ્દો નથી પરંતુ દરેક પ્રકારે વિવિધતાપૂર્ણ આપણા ભારત દેશના યુવાઓના
પ્રભાવવાદી મનને વિશ્વના બીજા મોટા ધર્મોના ગ્રંથો જેવા કે કુર્આન, અવેસ્તા, બાઇબલ, તનખ, તલમુડ અને
ગુરૂગ્રંથ સાહિબ વગેરેના જ્ઞાનનો પણ પરિચય અને જાણકારી મળે તે અનિવાર્ય છે.
આ બધા જ પવિત્ર ગ્રંથો પ્રેમ ભાઇચારો, દયા, દાન અને માફીની ભાષા બોલે છે અને આપણે બધા એક જ ઇશ્વરના
બાળકો છીએ. ત્યારે આ બધા ગ્રંથોનું જ્ઞાન સમાજની માનસિકતા, સંવાદ, સ્વીકૃતિ, સંવેદનશીલતા અને એકતામાં
વધારો કરશે.
ભારતે હંમેશા દરેકને ખુલ્લા હાથે આવકાર આપ્યો છે અને આ લાક્ષણિકતાએ વિશ્વ દ્વારા ભારતની ઉચ્ચગણના
અને કદર કરવામાં મુખ્ય ફાળો આપ્યો છે ત્યારે ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં લેતા ર૦ર૦ની નવી શિક્ષણ નીતિ
મુજબ ભારતને ગતિશીલ લોકશાહી દેશ બનાવવા માટે શાળાના અભ્યાસક્રમમાં બધા જ ધર્મગ્રંથોના સિદ્ધાંતોનો
સમાવેશ કરવાની સંસ્થા દ્વારા વિનંતી કરવામાં આવે છે, તેમ પત્રના અંતમાં જણાવાયું છે.