(એજન્સી) તા.ર૪
ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામોને જોતા રાજ્યની સત્તામાંથી ભાજપની વિદાય નક્કી થઈ ગઈ છે. બે વર્ષની અંદર થયેલી ચૂંટણીમાં આ સાતમું રાજ્ય છે જ્યાંથી એનડીએએ સત્તા ગુમાવી દીધી છે. અહીં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ ગઠબંધનને બહુમત મળતું દેખાઈ રહ્યું છે. ડિસેમ્બર ર૦૧૭માં દેશના લગભગ ૭ર ટકા વસ્તી અને ૭પ ટકા ભૂભાગવાળા ૧૯ રાજ્યોમાં એનડીએ અથવા ભાજપની સરકાર હતી. ઝારખંડમાં હાર પછી એનડીએની સરકાર દેશના ૪ર ટકા વસ્તી પર જ બચશે. હાલમાં ૧૬ રાજ્યોમાં એનડીએ સત્તા પર છે. બિહારમાં નીતિશકુમાર મહાગઠબંધન છોડીને ભાજપની સાથે આવી ગયા. જ્યાં ર૦ર૦માં ચૂંટણી થવાની છે. જણાવી દઈએ કે, પહેલાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં પણ ભાજપની જ સરકાર હતી પરંતુ કોંગ્રેસે એક વર્ષ પહેલાં થયેલી ચૂંટણી દરમિયાન અહીં ભાજપના હાથમાંથી સત્તા છીનવી લીધી. મહારાષ્ટ્રમાં પણ હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણી પછી મુખ્યમંત્રી પદ અંગે થયેલા વિવાદના કારણે ભાજપ-શિવસેના ગઠબંધન તૂટી ગયું. ત્યારબાદ શિવસેનાએ એનડીએનો સાથ છોડયો અને કોંગ્રેસ-એનસીપીની સાથે મળીને સરકાર બનાવી લીધી. જમ્મુ-કાશ્મીરમાં પણ પીડીપીની સાથે મળીને સરકાર બનાવનારી ભાજપે જૂન ર૦૧૮માં ગઠબંધનથી સંબંધ તોડી લીધો હતો. ત્યારબાદ રાજ્યમાં પ્રથમ રાજ્યપાલ શાસન અને ત્યારબાદ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું. કલમ ૩૭૦ હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું છે. તેમાંથી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા છે જ્યાં ચૂંટણી થવાની બાકી છે. લદ્દાખમાં વિધાનસભા નથી.
કર્ણાટક, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં સરકાર બનાવી
ભાજપે ભલે જ આ સાતેય રાજ્યોમાં સરકાર ગુમાવી દીધી પરંતુ આ દરમિયાન તેણે કર્ણાટક, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં પણ સરકાર બનાવી છે જેનાથી તેની હારનું અંતર થોડું ઓછું થયું છે.
આ રાજ્યોમાં છે એનડીએ સરકાર
હિમાચલપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, સિક્કીમ, અરૂણાચલપ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કર્ણાટક, ગુજરાત, ગોવા.
ભગવો સંકોચાઈ રહ્યો છે : ભાજપની હારમાં ઝારખંડ પાંચમું રાજ્ય

Recent Comments