અંજાર, તા.૨૫
તા.૨૪/૦૧/૨૦૨૧ના રોજ ઈત્તિહાદુલ્લ મુસ્લેમિન-એ-હિન્દ ટ્રસ્ટ, મારૂતિનંદન ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ રાયમા યુથ સર્કલ ટ્રસ્ટ અંજાર દ્વારા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે માતૃસ્પર્શ હોસ્પિટલ ખાતે આંખના મોતિયાનો નિદાન-સારવાર અને ઓપરેશન તેમજ જનરલ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. જેમાં જિલ્લાભરમાંથી આંખના રોગો માટે ૩૨૦ જેટલા દર્દીઓએ તપાસ-સારવાર કરાવી. જેમાંથી મોતિયાના ઓપરેશન લાયક ૫૪ દર્દીઓને માતૃસ્પર્શ હોસ્પિટલ ખાતે જ ફેકો પદ્ધતિથી મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે (નિઃશુલ્ક) કરી આપવામાં આવ્યા. સાથે-સાથે હાડકાંને લગતા રોગો, જનરલ રોગો, બાળ રોગો સહિતના ૧૦૦ જેટલા જરૂરતમંદ દર્દીઓનું નિદાન અને સરાવર કરવામાં આવેલ.
મેડિકલ કેમ્પનો પ્રારંભ તિલાવતે કુર્આન બાદ ઉપસ્થિત મહેમાનો ગુજરાતના સામાજિક અગ્રણી હાજી જુમ્માભાઈ રાયમા, સામખિયાળી ગામના સરપંચ લાખાભાઈ બાળા, બ્રાહ્મણ અગ્રણી દયારામભાઈ સુંબડ, માતૃસ્પર્શ હોસ્પિટલના ડાયરેક્ટર વસંતભાઈ કોડરાણી, ઓસ્માણશા સૈયદ સહિતના ઉપસ્થિત અનેક અગ્રણીઓ, ડોક્ટરોના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો, બાદ કેમ્પમાં ઉપસ્થિત સર્વેનું આયોજક સંસ્થા ઈત્તિહાદુલ્લ મુસ્લેમિન-એ-હિન્દના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરિયા દ્વારા આવકાર સાથે કેમ્પનો ચિતાર આપવામાં આવ્યો હતો તથા કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરોનું પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્યું.
કોમી એકતાના પ્રતિક અને ગુજરાતભરમાં સામાજિક ક્ષેત્રે આગવું નામ ધરાવતા કાર્યરત આગેવાન હાજી જુમ્માભાઈ રાયમાએ જણાવ્યું હતું કે, “તુમ ખિદમત કરો સાહેલે ઝમી પર ખુદા મહેરબાં હોગા અર્શે બરી પર”ના ઉદ્‌બોધન સાથે જણાવ્યું હતું કે, આવા સામાજિક આરોગ્યલક્ષી કાર્યોથી જ ગરીબ-જરૂરતમંદ લોકોને મદદરૂપ થઈ એમની દુઆઓ મેળવી શકાય છે. આજના સમયની ખર્ચાળ આરોગ્યલક્ષી સારવારના કારણે અનેક ગરીબ લોકો પોતાની સારવાર કરાવી શકતા નથી. આવા વિનામૂલ્યે કેમ્પોથી અનેક ગરીબ જરૂરતમંદ લોકોના આંસુ પુછવાનું ઋણ આવા કેમ્પો યોજનારી સંસ્થાઓના ફાળે જાય છે.
આ નિદાન-સારવર કેમ્પમાં ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ, અમદાવાદના સહયોગથી ડો.ધવલ રાજપરા, ડો. મેહુલ તથા તેમની ટીમ દ્વારા આંખોનું નિદાન, સારવાર તેમજ વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા. મેડિકલ કેમ્પમાં વિકાસભાઈ રાજગોર, ગંભીરસિંહ જાડેજા, હાજી ઈસ્માઈલ રાઉમા, હાજી નૂરમામદ રાયમા, ગુજરાત સાર્વજનિકના મુસ્તાક, હરિભાઈ હેઠવાડિયા, પ્રકાશભાઈ જોષી, અમીનભાઈ રાઉમા, જગદીશ મારાજ, શાહનવાઝ શેખ, એડવોકેટ ગુલામશા શેખ, મૌલાના શબીર સાહેબ, મૌલાના કાસમ ટગા સહિતનાં અનેક આગેવાનોએ ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી.
કેમ્પને સફળ બનાવવા આયોજકો અને વ્યવસ્થાપકો હાજી મોહમ્મદભાઈ આગરિયા, વિકાસભાઈ રાજગોર, સલીમભાઈ રાયમા, આકાશભાઈ કોડરાણી, સાદિકભાઈ રાયમા, ધ્રુવભાઈ રાજગોર, નારેજા, મહેબુબભાઈ રાયમા ઉપરાંત વાગડના સ્થાનિક આગેવાનો અબ્દુલભાઈ રાઉમા, રમજાનભાઈ રાઉમા, સિદ્દીકભાઈ નારેજા, હાજી ફારૂકભાઈ ખત્રી તેમજ માતૃસ્પર્શ હોસ્પિટલના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.