અમદાવાદ, તા.ર૧
કોરોનાના કહેર વચ્ચે સતત બીજા દિવસે રાજ્યમાં હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪ર ડિગ્રીને પાર નીકળી ગયો છે. ડીસામાં ગઈકાલના રેકોર્ડને તોડતો ગરમીનો પારો ૪૪.૯ ડિગ્રીએ પહોંચતાં રેડ-એલર્ટની સ્થિતિ નિર્માણ થવા પામી છે. લોકડાઉનમાં હળવી છૂટછાટ વચ્ચે ગરમીએ જોરદાર ફૂંફાડો માર્યો છે. રાજ્યમાં એક તરફ લોકડાઉનથી પ્રજા ત્રસ્ત થઈ ઉઠી હતી. ત્યારે આકરો ઉનાળો પોતાનો અસલ મિજાજ બતાવી રહ્યો છે. ગરમીને કારણે બપોરના સમયે રોડ-રસ્તા સૂમસામ ભાસે છે અને લોકોને ઘરમાં પૂરાઈ રહેવું પડે તેવી સ્થિતિ નિર્માણ થાય છે. વાત કરીએ તાપમાનની તો રાજ્યમાં સૌથી વધુ તાપમાનની તો રાજ્યમાં સૌથી વધુ તાપમાન ડીસામાં ૪૪.૯ ડિગ્રી નોંધાયું હતું જ્યારે સુરેન્દ્રનગરમાં ૪૪.૬, કંડલામાં ૪૪.ર, અમદાવાદમાં ૪૪.૧ અને ગાંધીનગર ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં ૪૩.ર, ભૂજમાં ૪ર.૯, રાજકોટમાં ૪ર.૮ તેમજ આણંદ અને વડોદરામાં ૪ર.પ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. સૂર્ય ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે જ્યારે અનેક સ્થળોએ લાભ મેળવવા માટે લોકોએ લાઈનમાં ઊભા રહેવું પડે છે તેવા લોકો માટે કાળઝાળ ગરમી ઘાતક સિદ્ધ થઈ રહી છે. કાળઝાળ ગરમીને જોતાં લૂ લાગવાની શક્યતાઓ છે ત્યારે લોકોને લોકડાઉનનું પાલન કરી ઘરમાં જ રહેવા વિનંતી કરવામાં આવી છે. લીંબુંનું સરબત, વરિયાળીનું સરબત, છાશ અને પાણી પુષ્કળ પ્રમાણમાં પીવાનું જાણકારો જણાવી રહ્યા છે. સાથે જ બાળકો અને વૃદ્ધોની વિશેષ કાળજી લેવાનું પણ જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીમાં કોઈ ખાસ રાહતની શક્યતા દેખાતી નથી. વળી હાલ ‘લોકડાઉન’ના કારણે અકળાયેલા લોકોને ગરમીએ વધુ પરેશાન કરી મૂકયા છે ત્યારે આગામી દિવસોમાં વધુ ગરમીનો સામનો કરવા પણ તૈયાર રહેવું પડશે.

ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
ડીસા ૪૪.૯
સુરેન્દ્રનગર ૪૪.૬
કંડલા ૪૪.૨
અમદાવાદ ૪૪.૧
ગાંધીનગર ૪૪.૦
અમરેલી ૪૩.૨
ભૂજ ૪૨.૯
રાજકોટ ૪૨.૮
આણંદ ૪૨.૫
વડોદરા ૪૨.૫