(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૧૪
ભાલ પંથકના શહેનશાહ અને કોમી એકતાના પ્રતીક પીર શહીદ હઝરત મહેમૂદશાહ બુખારીબાવા (ર.અ.)ની દરગાહ ધોલેરા તાલુકાના ભડિયાદ ખાતે આવેલી છે. જ્યાં દર વર્ષે વિશાળ ઉર્સ મેળો ભરાય છે. પગપાળા મેદની અમદાવાદના જમાલપુરથી રજ્જબ માસના પાંચમાં ચાંદ તા.ર૩/૩/ર૦૧૮ના રોજ નીકળશે. જે વિવિધ ગામોમાંથી નિર્ધારિત રૂટ પરથી પસાર થઈ ૯માં ચાંદે ભડિયાદ પહોંચશે. ભડિયાદ પીરનાં ઉર્સ મેળામાં શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ તૈયારીઓ આરંભી છે. તાજેતરમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેક્ટર ડો.અવંતિકા સિંઘના અધ્યક્ષ સ્થાને એક મીટિંગ મળી હતી. જેમાં મહેસૂલ, પોલીસ, પાણી પુરવઠા, જીઈબી, નર્મદા નિગમ, આરોગ્ય, આરએન્ડબી, એસટી તંત્ર, ફૂડ એન્ડ ડ્રગ્સ સહિતના સરકારી વિભાગોના અધિકારીઓ ઉપરાંત ભડિયાદ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો, ભડિયાદ ઉર્સ કમિટીના સભ્યો તથા ખાદીમ પરિવાર હાજર રહ્યા હતા. કલેક્ટરે અધિકારીઓને શ્રદ્ધાળુઓ માટે જરૂરી સુવિધા પૂરી પાડવા તાકીદ કરી હતી. બોટાદ રેલવેલાઈન બંધ હોવાથી એસટી બસો વધારે દોડાવવા જણાવ્યું હતું. ભડિયાદના મેળા દરમિયાન અમદાવાદ ધોળકા, ધંધુકા, નડિયાદ, આણંદ, ભાવનગર, સુરેન્દ્રનગરથી મેળા માટે ખાસ બસો દોડાવવાનો એસટી તંત્રએ નિર્ણય લીધો છે. ફેદરાથી પરછમ-ગાંફવાળા મેદનીના રૂટ પર રોડ પર ખાડા પુરવા માર્ગ અને મકાન વિભાગને તાકીદ કરી હતી. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદથી ભડિયાદ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો દ્વારા મેડિકલ કેમ્પોની સુવિધા કરાશે. પાણીપુરવઠા વિભાગને પીવાના પાણીની વ્યવસ્થા કરવા, નર્મદા નિગમને કેનાલોમાં પાણીનું સ્તર ઘટાડવા, પોલીસ તંત્રને જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા અનુરોધ કરાયો હતો. અમદાવાદ જિલ્લાનાં એએસપી મનોહરસિંહ જાડેજાએ ૪પ૦થી વધારે પોલીસ અધિકારીઓ તથા જવાનો તૈનાત કરાશે તેમ જણાવ્યું હતું. દરમિયાન એએસપી મનોહરસિંહ જાડેજાએ ગતરોજ ભડિયાદ પીરની દરગાહની મુલાકાત લીધી હતી અને ગોઠવાનારા પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ વેળા ધોલેરા પોલીસ મથકના પીએસઆઈશ્રી જાડેજા પણ હાજર રહ્યા હતા.
ભડિયાદના ઉર્સ દરમિયાન શ્રદ્ધાળુઓને સુવિધા પૂરી પાડવા કલેક્ટરની તાકીદ

Recent Comments