(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૭
કોમી એકતાના પ્રતિક હઝરત પીર શહીદ મહેમુદશાહ બુખારી (રહે.)ના ઉર્સને લઈ આગામી તા. ૧ માર્ચને રવિવારથી અમદાવાદ ખમાસા ચાર રસ્તાથી પગપાળા મેદની રવાના થનાર છે ત્યારે ભડિયાદ ઉર્સ દરમિયાન તા.૧ માર્ચથી ૯ માર્ચ સુધી ભડિયાદ જતા યાત્રાળુઓની સગવડતા માટે જરૂરી વ્યવસ્થા પૂરી પાડવા આજરોજ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જરૂરી તમામ વિભાગોના અધિકારીઓ સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભડિયાદ દરગાહ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
અમદાવાદ જિલ્લા કલેક્ટરની સહાયતામાં એસ.ટી, વીજ પુરવઠા બોર્ડ, આરોગ્ય, પાણી પુરવઠા, જિલ્લા પંચાયત, પોલીસ સહિત જરૂરી તમામ વિભાગના અધિકારીઓ તથા ભડિયાદ દરગાહ ગાદીપતિ લાલુ મિયાં બાપુ ઈસ્માઈલભાઈ લડીવાલા, અજય મોદી, ધંધુકાના પ્રાંત અધિકારી, જિલ્લા આરોગ્ય નિયામક ડો.શિલ્પા, અધિક કલેક્ટર વોરા, એસીપી નિલેશપાંડે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ અંગે દરગાહ કમિટીના સભ્ય ઈસ્માઈલભાઈ લકીએ જણાવ્યું હતું કે આ વખતે જિલ્લા કલેક્ટર કે.કે.નિરાલાએ ભડિયાદ ઉર્સના આયોજન અંગે અંગત રસ લઈ કમિટીના સભ્યો પાસેથી ઝીણામાં ઝીણી વિગત મેળવી હતી. ત્યારબાદ જરૂરી તમામ વિભાગના અધિકારીઓને સારામાં સારી સુવિધા પૂરી પાડી શકાય તેવા સુચન મેળવી તેે અંગેની કામગીરી કરવા સૂચના આપી હતી. લગભગ સવા કલાક જેટલો સમય ચાલેલી મિટીંગ દરમિયાન કે.કે.નિરાલાએ દરગાહ કમિટીના સભ્યોને અંગત રીતે જણાવ્યું હતું કે તમારે મારી ગમે ત્યારે જરૂર પડે ત્યારે કહેજો હું જરૂરી તમામ વ્યવસ્થા કરી આપીશ. પોલીસ ફોર્સ વધારવા જરૂર પડશે ડીજીપીને રજૂઆત કરવા ખાતરી આપી હતી. સૌથી આશ્ચયજનક વાત એ હતી કે જિલ્લા કલેક્ટરે ભડિયાદ દરગાહ વિશે અંગત રસ દાખવી કમિટીના સભ્યો પાસેથી જરૂરી તમામ માહિતી મેળવતા તેઓ આશ્ચયચકિત થઈ ગયા હતા અને દરગાહ ઉપર આવવા ખાતરી આપી હતી.