કોરોના વાયરસને કારણે લાગુ કરાયેલા આકરા લોકડાઉનથી આર્થિક ગતિવિધિઓ પર માઠી અસર થઇ છે; સાથે જ સપ્લાય ચેઇન પણ ભયાનક રીતે પ્રભાવિત થઇ છે : રેટિંગ એજન્સી

આ પહેલા ફિચે ભારતની GDPને માઇનસ ૫ ટકા સુધી આંકી હતી પરંતુ વકરી રહેલી સ્થિતિને પગલે તેણે સંશોધિત અંદાજમાં વધુ નબળી સ્થિતિ દર્શાવી, સૌથી વધુ મંદી ભારત, બ્રિટન અને સ્પેન જેવા દેશોમાં
જોવા મળી રહી છે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
રેટિંગ એજન્સી ફિચે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતીય અર્થવ્યવસ્થામાં ૧૦.૫ ટકાના ભારે ઘટાડાનો અંદાજ લગાવ્યો છે. ફિચ રેટિંગ્સે મંગળવારે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા એટલે કે ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રિમાસિકમાં જીડીપીમાં સુધારો જોવા મળી શકે છે. જોકે, એ વાતનો સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, અર્થવ્યવસ્થામાં સુધારાની ગતિ સૂસ્ત અને અસમાન રહેશે. ફિચ અનુસાર ‘‘અમે ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીના પોતાના અંદાજને સંશોધિત કરીને માઇનસ ૧૦.૫ ટકા કર્યું છે. જૂનમાં જારી થયેલી વૈશ્વિક આર્થિક પરિદૃશ્યની સરખામણીએ ભારતની અર્થવ્યવસ્થામાં ઘટાડાના અંદાજને પાંચ ટકા વધારાયો છે. ફિચે આ પહેલા ચાલુ નાણાકીય વર્ષમાં ભારતમાં જીડીપીમાં પાંચ ટકાના ઘટાડાનો અંદાજ લગાવ્યો હતો.
ફિચે કહ્યું કે, સૌથી વધુ મંદી ભારત, બ્રિટન અને સ્પેન જેવા દેશોમાં જોવા મળી રહી છે. આકરા અને લાંબા લોકડાઉનને કારણે આર્થિક ગતિવિધિઓ પર ભારે અસર થઇ છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં અનેક પડકારો છે જેના કારણે સુધારો અટકી પડ્યો છે. કોરોના વાયરસના નવા કેસો સતત વધી રહ્યા છે તેના કારણે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આકરા અંકુશો લગાવાયા છે. આર્થિક ગતિવિધિઓમાં ભારે ઘટાડાને પગલે પરિવારો અને કંપનીઓની આવક પર ભારે અસર થઇ છે. આ દરમિયાન નાણાકીય સમર્થન પણ સીમિત રહ્યું છે. સાથે જ નાણાકીય ક્ષેત્રોની સંપત્તિની ગુણવત્તા નીચે આવી રહી છે. જેથી બેંકો લોન આપી શકતી નથી. ફુગાવો ઊંચો જવાથી પરિવારોની આવક પર દબાણ વધ્યું છે અને સપ્લાય ચેઇનને અસર પહોંચી છે. ઉત્પાદન શુલ્કમાં વધારો થવાથી કિંમતો વધી છે. જોકે, આગામી સમયમાં આ ફુગાવો નીચે આવે તેવી શક્યતા છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક(એપ્રિલ-જૂન)માં ભારતના જીડીપીમાં ૨૩.૯ ટકાનો ઘટાડો થયો છે. આ દુનિયાની ટોચની અર્થવ્યવસ્થાઓમાં ઘટાડાનો સૌથી ઊંચા આંકડામાંથી છે. કોરોના વાયરસ મહામારીને કારણે દેશમાં આકરા લોકડાઉનથી અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો થયો હોવાનો અંદાજ છે. બીજી તરફ ઘરેલુ રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચનો અંદાજ છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ૧૧.૮ ટકાનો ભારે ઘટાડો થશે. ઇન્ડિયા રેટિંગ્સે મંગળવારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ભારતના જીડીપીમાં વૃદ્ધિના પોતાના અંદાજને સંશોધિત કરીને માઇનસ ૧૧.૮ ટકા કર્યો છે. આ પહેલા તેણે ભારતીય અર્થવ્યવસ્થામાં ૫.૩ ટકાના ઘટાડાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જોકે, રેટિંગ એજન્સીનો અંદાજ છે કે, આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતીય અર્થવ્યવસ્થા ૯.૯ ટકાની વૃદ્ધિ નોંધાવશે. જોકે, તેનું મુખ્ય કારણ પાછલા નાણાકીય વર્ષના નબળા આધારની અસર હશે. રેટિંગ એજન્સીએ રિપોર્ટમાં કહ્યું છે કે, ઇન્ડિયા રેટિંગ્સનો જીડીપીમાં ૧૧.૮ ટકાનો અંદાજ દેશના ઇતિહાસમાં અર્થવ્યવસ્થાનો સૌથી નબળો આંકડો હશે. દેશમાં જીડીપીના આંકડા ૧૯૫૦-૫૧થી ઉપલબ્ધ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, આ છઠ્ઠો પ્રસંગ છે જ્યારે દેશની અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો નોંધાશે. આ પહેલા નાણાકીય વર્ષ ૧૯૫૭-૫૮, ૧૯૬૫-૬૬, ૧૯૬૬-૬૭, ૧૯૭૨-૭૩ અને ૧૯૭૯-૮૦માં અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો થયો હતો.