(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કોરોના વાયરસ મહામારીને ફેલાતા રોકવા માટે જાહેર કરવામાં આવેલા ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન હજારો પરપ્રાંતીય મજૂરોનું શહેરોમાંથી ગામડાઓમાં પલાયન વિશે કેન્દ્રની તૈયારીઓ સામે પ્રશ્ન કર્યો છે. કામ અને નાણા વગર શહેરોમાં અટવાઇ કે ફંસાઇ ગયેલા પરપ્રાંતિય મજૂરો સમૂહમાં પોતાના ગામડાઓ તરફ પગપાળે જતા જોવામાં આવી રહ્યા હોવાથી ચિદમ્બરમે આ ટિ્‌વટ કરી છે. તેમણે એવું પણ ટિ્‌વટ કર્યું કે ભરચક બસોમાં કે પગપાળે ગામડાઓમાં પરપ્રાંતિય મજૂરોની વાપસીએ નોંધપાત્ર રીતે લોકડાઉનને નિરર્થક બનાવ્યું છે. સરકારોની તૈયારીઓનું આ બીજું દુઃખદાયક ઉદાહરણ છે. ઉત્તર પ્રદેશ સરકારે દિલ્હી અને નેશનલ કેપિટલ રીજન (એનસીઆર)માં અટવાઇ ગયેલા પરપ્રાંતિય મજૂરોને રાજ્યમાંથી તેમના વતનમાં પાછા જવા માટે શનિવારે સેંકડો બસો મોકલી છે. ગાઝિયાબાદ અને ગૌૈતમબુદ્ધ નગરના વિભિન્ન વિસ્તારોમાંથી પરપ્રાંતિય મજૂરોને તેમના વતન પહોંચાડવા માટે યુપી સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોમાં ભરીને લઇ જવામાં આવી રહ્યા હોવાથી બસ ટર્મિનલ્સ ખાતે ભારે સંખ્યામાં લોકો ઉમટી પડતા સામાજિક અંતર જાળવવાના નિયમનો ભંગ થયો છે.