વડોદરા, તા. ૨૪
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ કોંગ્રેસના વધુ બે નેતા કોરોનાની ઝપટમાં આવ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલ અને અન્ય નેતા મૌલિન વૈષ્ણવનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભરતસિંહ સોલંકીના સતત સંપર્કમાં રહેનાર મૌલિક વૈષ્ણવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે માંજલપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતન રાવલને પણ કોરોના પોઝિટિવ થયો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે મૌલિક વૈષ્ણવ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મૌલિન વૈષ્ણવમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જેમાં પહેલા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જ્યારે બીજો રિપોર્ટ કરાવ્યો તો તેઓ પોઝિટિવ મળ્યા હતા. તેમને સારવાર માટે માંજલપુર બેંકર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને તેમના અંગત વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર ડૉ. મુરલી ક્રિષ્ણન, અધિક મુખ્ય ચૂંટણી કમિશનર અશોક માણેક, ચૂંટણી અધિકારી ચેતન પંડ્‌યા, ચૂંટણીના નિરીક્ષક પૂર્વ આઈએએસ ઓફિસર સહિત અધિકારીઓ-કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.