(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.રર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલમાં જ યોજાયેલી રાજયસભાની ચૂંટણીમાં ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપ કોંગ્રેસના નેતાઓ, પત્રકારો, ચૂંટણીપંચના અધિકારીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે કારણ કે, રાજયસભા ચૂંટણી દરમ્યાન તેઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા. ભરતસિંહ સોલંકી ત્રણ દિવસ અગાઉ જ યોજાયેલી રાજયસભાની ચૂંટણીમાં ઉમેદવાર હોવાથી ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ, ધારાસભ્યો, પત્રકાર, રાજય ચૂંટણીપંચના અધિકારીઓ વગેરેના સંપર્કમાં આવ્યા હતા ચૂંટણી બાદથી ભરતસિંહ સોલંકી તેમના બોરસદ સ્થિત નિવાસસ્થાને રહેતા હતા તેમને બે દિવસથી તાવ રહેતો હોવાથી વડોદરાના માંજલપુર સ્થિત બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ હોવાની વાત ફેલાતા છેલ્લા સપ્તાહ દરમ્યાન તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. રાજયસભાના અન્ય સાથી ઉમેદવાર શકિતસિંહ ગોહિલ હાલ દિલ્હીમાં છે તેમને આ અંગેની જાણ થતા તેમણે બિહારનો પ્રવાસ રદ કરી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને કવોરેન્ટાઈન થઈ ગયા છે.