વડોદરા, તા.૧૧
એમ.એસ.યુનિવર્સિટીમાં અધ્યાપકોની ૬૮૨ પોસ્ટ કાયમી ધોરણે ભરવાની પ્રક્રિયાને કોરોનાએ મોટો ફટકો માર્યો છે.કોરોનાકાળના કારણે સત્તાધીશોએ આ પોસ્ટો માટેની ભરતી પ્રક્રિયા અચોક્કસ મુદત સુધી સ્થગિત કરી દીધી હોવાની વિગતો જાણવા મળી છે. યુનિવર્સિટી સૂત્રોના કહેવા અનુસાર જ્યાં સુધી સત્તાધીશો નિર્ણય લીધો છે કે, જ્યાં સુધી કોરોનાની મહામારી યથાવત રહેશે ત્યાં સુધી આ પોસ્ટો માટેના ઈન્ટરવ્યૂનુ આયોજન કરવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં એક સાથે ૬૮૨ પોસ્ટ કાયમી ધોરણે ભરવા માટેસરકારે ગત વર્ષે મંજૂરી આપ્યા બાદ સરકારે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવીને ઈન્ટરવ્યૂ શરુ કર્યા હતા.લગભગ ૭૦ જેટલી પોસ્ટ પર ઉમેદવારોની નિમણૂંક થયા બાદ કોરોનાના કારણે લોકડાઉન લાગુ થઈ જતા ઈન્ટરવ્યૂની કાર્યવાહી પણ રોકી દેવામાં આવી હતી.એ પછી અનલોક ગાઈડલાઈનની તબક્કાવાર જાહેરાતો કરવામાં આવી રહી છે પણ અધ્યાપકોની કાયમી પોસ્ટ માટેના ઈન્ટરવ્યૂ હજી શરુ થયા નથી.સૂત્રોનુ કહેવુ છે કે, હંગામી અધ્યાપકોની નિમણૂંક માટેના ઈન્ટરવ્યૂ ઓનલાઈન યોજાયા હતા પણ યુનિવર્સિટી સત્તાધીશો કાયમી અધ્યાપકોના ઈન્ટરવ્યૂ ઓનલાઈન યોજવા માટે તૈયાર નથી.બીજી તરફ એપ્લાય કરનારા ઘણા ઉમેદવારો વડોદરા બહારના અને બીજા રાજ્યના પણ છે.જેના કારણે ઓફલાઈન ઈન્ટરવ્યૂ હાલના તબક્કે યોજવા મુશ્કેલ છે.આમ જ્યાં સુધી કોરોનાનુ સંક્રમણ યથાવત રહેશે ત્યાં સુધી ઈન્ટરવ્યૂ નહીં યોજાય.