ભરૂચ, તા.૧પ
તાજેતરમાં જ ભરૂચ તાલુકાના ઝંઘાર ગ્રામ પંચાયત કચેરીના જાહેર માહિતી અધિકારી એવા તલાટી કમ મંત્રી પાસે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવેલ હતી. જેનો કોઈપણ જવાબ આપવામાં આવેલ નહી. જેને લઈ પ્રથમ અપીલ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ દાખલ કરવામાં આવેલ હતી. દિન ૧૦માં માહિતી પુરી પાડવાનો હુકમ પ્રથમ અપીલ સત્તાધિકારીએ કરેલ હોવા છતાં માહિતી પુરી પાડવામાં આવેલ નહી. વાંરવાર માહિતીની માંગણી બાદ પણ માહિતી અરજદારને પુરી પાડવામાં આવેલ નહી. ત્યારબાદ બીજી અપીલ ગુજરાત માહિતી આયોગમાં દાખલ કરવામાં આવેલ હતી. જેની સુનાવણી ચાલી જતાં માહિતી આપવામાં નિષ્ફળ ગયેલ તલાટી કમ મંત્રી સામે દસ હજારનો દંડ ફટકારવામાં આવેલ છે. અને દિન ૧૦ વિનામૂલ્યે માહિતી પૂરી પાડવા હુકમ ફરમાવવામાં આવેલ છે. જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ઝંઘાર ગ્રામ પંચાયત કચેરીના જાહેર માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી મનોજ ચૌધરીની ફરજ દરમ્યાન માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ હેઠળ માહિતીની માંગણી અરજદાર ધર્મેશ મિસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી. તલાટી કમ મંત્રી મનોજ ચૌધરી આર.ટી.આઈ.ના નિયમ મુજબ ૩૦ દિવસની સમય મર્યાદામાં માહિતી આપવામાં નિષ્ફળ ગયા હતા. તેમજ કોઈપણ પ્રકારનો જવાબ પણ આપેલ નહીં. માહિતી અરજદારને ન મળતા નાછૂટકે પ્રથમ અપીલ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ દાખલ કરવામાં આવેલ હતી. પ્રથમ અપીલ સત્તાધિકારીએ સુનાવણી રાખી હતી તે દરમ્યાન દિન ૧૦માં માહિતી વિનામૂલ્યે પુરી પાડવા માટે હુકમ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ જાહેર માહિતી અધિકારીએ દિન ૧૦માં માહિતી અરજદારને આપેલ નહી. છેવટે અરજદારે માહિતી આયોગ ગુજરાત રાજ્ય સમક્ષ બીજી અપીલ દાખલ કરેલ હતી. અને તેની સુનાવણી ચાલી જતા સુનાવણીમાં હાજર રહેલ તલાટી કમ મંત્રી કમલેશ સી. પરમારને ખુલાસો રજૂ કરવાની તક આપવામાં આવી હતી. જેમાં કમલેશ પરમાર આયોગ સમક્ષ કોઈજ રજૂઆત કે ખુલાસો રજૂ કરી શકેલ નથી. તેમજ કોઈજ માહિતી કે જવાબ પુરો પાડેલ નથી. આમ માહિતી અધિકાર અધિનિયમની કલમ ૭ (૧) અન્વયે માહિતી પુરી નહી પાડવા બદલ જાહેર માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી કમલેશ સી. પરમાર જવાબદાર ઠરે છે. જેથી અધિનિયમની કલમ ૨૦ (૧) હેઠળ જાહેર માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી ઝંઘાર ગ્રામ પંચાયતને જવાબદાર ગણી રૂ.૧૦,૦૦૦ ના દંડનો હુકમ કરવામાં આવેલ છે.