ભરૂચ, તા.૨૯
ભરૂચના મકતમપુરના શ્રમજીવીઓ એ વતન જવા માટેની જીદ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધસી આવતા મામલો ગરમાયો હતો.
પ્રાપ્ત મળતી વિગતો મુજબ રોજગારી અર્થે ઉત્તરપ્રદેશ સહિત ગુજરાત બહારના રાજ્યમાંથી ભરૂચ ખાતે લોકડાઉન અગાઉ આવેલ પરપ્રાંતિયો હવે વતન જવા માટેની વાટ પકડી છે. આજરોજ ભરૂચના મકતમપુર સહિત આજુબાજુના વિસ્તારમાં રોજગારી અર્થે આવેલ ૧૫૦ કરતાં વધુ મજૂરોમાં કોઈક અફવાના કારણે ગેરસમજ ઊભી થઈ હતી કે તેઓને જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી વતન પરત મોકલવામાં આવી રહ્યા છે જે અફવા જોતજોતામાં મકતમપુર વિસ્તારમાં પ્રસરી જતા ૧૫૦ કરતાં વધુ ફસાયેલા શ્રમજીવીઓ પોતાના વતન પરત જવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધસી આવ્યા હતા. જો કે, જિલ્લા કલેક્ટરે અગાઉ કોઈ આવું ફરમાન કે જાહેરાત ન કરી હોવાને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું હતું. પરિસ્થિતિ વધુ ન વણસે તેને ધ્યાને રાખી પોલીસ વિભાગે સમગ્ર મુદ્દે શ્રમજીવીઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. શ્રમજીવીઓના જણાવ્યા મુજબ તેઓના વિસ્તારમાં કોઈક આવી અફવા ફેલાઈ હતી કે જે કોઈને વતન પરત જવું હોય તો સરકારી કચેરી ખાતે આવો જેને લઇ અફવાએ ગેરસમજનો માહોલ ઊભો કરતા ૧૫૦ કરતાં વધુ મજૂરો વતન જવા માટે એકત્રિત થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રમજીવીઓ હજુ પણ બીજા તબક્કાનો લોકડાઉન પૂર્ણ થવાના આડે ગણતરીના દિવસો હોવા છતાં વતન જવા માટેની મીટ માંડીને બેઠા છે. ત્યારે હવે જિલ્લા પ્રશાસન આ શ્રમજીવી પરિવારો માટે શું વ્યવસ્થા ઊભી કરે છે તે જોવું રહ્યું.
ભરૂચના મકતમપુરના શ્રમજીવીઓએ વતન જવા માટે કલેક્ટર કચેરીમાં ધસી આવતા મામલો ગરમાયો

Recent Comments