(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૧૭
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો દ્વારા ઝોમેટો કુરિયર બોય એવા મુસ્લિમ યુવક ઉપર હિચકારા હુમલા બાદ ગતરોજ મુસ્લિમ આધેડને માર મારવાની ઘટના સામે આવતા મુસ્લિમ સમાજમાં ભારોભાર આક્રોશની લાગણી પ્રવર્તવા પામી છે. દેશભરમાં કોમી વેરઝેરના માહોલ વચ્ચે ભરૂચના શક્તિનાથ સર્કલ ખાતે કેટલાક દારૂડિયા અસામાજિક તત્ત્વો દ્વારા બે દિવસ અગાઉ ઝોમેટોમાં કામ કરતા મુસ્લિમ યુવકને અટકાવી હિચકારો હુમલો કરી જાતિ વિષયક અપશબ્દો કહેવાના બનાવના પગલે તંગદિલી વ્યાપવા પામી હતી. આ અંગે ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટનાસ્થળે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ સહેલાઈથી હુમલાખોરોને ઝડપી શકી હોત, પરંતુ હજુ સુધી કોઈ અટકાયત કે પગલાં ન લેવાતા ગતરોજ મધ્યાહ્‌ન કાળે એક મુસ્લિમ આધેડ ઘરે જમવા જતા હતા, તે વેળા કટ્ટરવાદી ઈસમોએ દાઢી, ટોપીને લક્ષમાં લઈ તેમને રસ્તામાં અટકાવી માર માર્યો હતો. જો કે, આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયેલા વેપારીએ કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. શક્તિનાથ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોના આતંકથી માત્ર મુસ્લિમ સમાજ નહીં પરંતુ હિંદુ સભ્ય સમાજ પણ ભયભીત બનવા પામ્યો છે. આ અંગે પોલીસ તંત્ર કોઈ મોટી ઘટના સર્જાય તે પહેલાં યોગ્ય પગલાં લે તે અનિવાર્ય છે.