ભરૂચ,તા.૩૧
નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન ભરૂચ અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સંયુકત ઉપક્રમે જિલ્લા કક્ષાનો જળસંચય પ્રોજેકટ Catch the Rain, where it falls, when it fallsનો ઉદઘાટન સમારોહ કોવિડ-૧૯ની માર્ગદર્શિકાને અનુસરીને સંસ્થાના મધ્યસ્થ ખંડ ખાતે યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત જે.એસ.એસ.ની તાલીમાર્થી બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યાર બાદ નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચના સુબ્રતા ઘોષ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું તેમણે મિનિસ્ટ્રી ઓફ જલ શકિત ડેવલપમેન્ટ ઓફ વોટર રિસોર્સિંસ, રિવર ડેવલપમેન્ટ એન્ડ ગંગા રીજિવીનેશનની ગાઈડલાઈન્સ મુજબની પ્રેરણા આપતો કાર્યક્રમ આયોજીત કરવાનો હેતુ સમજાવ્યો. આ પ્રસંગે પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત બંને સંસ્થાનના પ્રતિનિધિ/સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યું. નિવાસી કલેકટર જે.ડી. પટેલે દીપ પ્રગટાવી નર્મદાનું જળ કુંભમાં સંચય કરી જળ સંચયનો પ્રારંભ કરાવી આ કાર્યક્રમનું લોંચીગ કર્યું ત્યાર બાદ જે.એસ. એસ.ના નિયામક ઝયનુલ સૈયદ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું કે, ભારતમાં દુનિયાની વસ્તીના ૧૮ ટકા ભાગની વસ્તી છે તેમાંથી માંડ ૪ ટકાને પણ શુદ્ધ પાણી મળી શકતું નથી. ભારત જ નહીં પણ પુરા વિશ્વમાં આગામી દિવસોમાં પાણીના વિકટ પ્રશ્નોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં તો આપણે પણ અત્યારથી જ જાગીને વરસાદી પાણીનો વિવિધ રીતે જળ સંચય કરીને થોડું ઘણું સંકટ ટાળી શકવા પણ શકિતમાન થઈશું તો આવનાર પેઢીનાં ઋણી થઈશું. તેમણે જણાવ્યું કે અત્રેની સંસ્થા દ્વારા વ્યવસાયલક્ષી સ્કીલ તાલીમ ભરૂચ, વાગરા, આમોદ, હાંસોટ, અંકલેશ્વર, વાલિયા, ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવે છે તે તાલીમાર્થીઓને આ અભિયાનમાં જોડી નહેરૂ યુવા કેન્દ્ર સંસ્થાને સહયોગ આપવા જણાવ્યું હતું. હાજર સૌને જળ સંચય માટે નહેરૂ યુવા કેન્દ્રના મનિષભાઈ જોષી દ્વારા શપથ ગ્રહણ કરાવ્યું ત્યાર બાદ નિવાસી કલેકટરના હસ્તે જે.એસ.એસ.ના તાલીમ પામેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. તથા નહેરૂ યુવા કેન્દ્રના સ્વયંસેવકોને કોવિડ-૧૯ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા માનનીય નિવાસી કલેકટરશ્રી જે.ડી. પટેલે જણાવ્યું કે રાષ્ટ્રીય જળ અભિયાન અંતર્ગત ખાસ એ જ કે જળ એજ જીવન છે. જળ કુદરતી સંપત્તિ છે તેનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જળનો વ્યય થતો અટકાવવો જોઈએ આ કામ સરકારી એજન્સી એકલી ન કરી શકે એ માટે આપણે દરેકે પ્રયત્નશીલ રહેવું પડે. તેમણે જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા અપાતી સ્કીલ તાલીમ થકી આત્મનિર્ભર થવાય અને સ્વરોજગાર પ્રાપ્તી કરી વ્યવસાય કરી આત્મનિર્ભર બને. તાલીમ પુરતી સિમિત ન રહે તે અંગે ધ્યાન દોર્યું હતું.