ભરૂચ, તા.૬
ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજરોજ સતત ચોથી વખત ચેરમેન તરીકે ઘનશ્યામ પટેલની બિનહરીફ વરણી થઈ હતી. જ્યારે સતત બીજી વખત વાઈસ ચેરમેન તરીકે મહેશભાઈ વસાવા બિનહરીફ ચૂંટાયા હતા.
ભરૂચ-નર્મદા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીમાં ૧૫ ડિરેકટરોમાંથી ૧૪ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા. એક માત્ર જંબુસર બેઠક પર પ્રવિણ દૂબે અને જગદીશ પટેલ વચ્ચે ચૂંટણી યોજાતા તેમાં જગદીશ પટેલનો વિજય થયો હતો. ડિરેકટરોની ચૂંટણી સંપન્ન થયા બાદ આજરોજ ચૂંટણી અધિકારી પ્રજાપતિની હાજરીમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સતત ચોથી વખત ઘનશ્યામભાઈ પટેલની ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ હતી. જ્યારે બીજી વખત મહેશભાઈ વસાવાની વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ હતી. જેને સભાસદોએ વધાવી લઈ ઘનશ્યામભાઈ પટેલ તથા મહેશભાઈ વસાવા પર અભિનંદનોની વર્ષા કરી હતી. ચેરમેન-વાઈસ ચેરમેનની વરણી બાદ ઝાડેશ્વર સ્વામીનારાયણ મંદિર ખાતે દૂધધારા ડેરીની સામાન્ય સભા મળી હતી. જેમાં મોટી સંખ્યામાં કિસાનો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યાં હતા. સામાન્ય સભામાં ઘનશ્યામભાઈ પટેલે દૂધધારા ડેરીનો વાર્ષિક અહેવાલ રજૂ કરી ડેરીના વિકાસ પાછળ ડિરેક્ટરો, સભાસદો, પશુપાલકો અને ડેરીના કર્મચારીઓનો સિંહફાળો હોવાનું જણાવી તમામને અભિનંદન આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઘનશ્યામભાઈ પટેલે ૨૦૦૮માં દૂધધારા ડેરીના ચેરમેન તરીકે સૌ પ્રથમવાર કાર્યભાર સંભાળ્યો હતો. તે સમયે દૂધધારા ડેરી માંદી ચાલતી હતી. ઘનશ્યામભાઈ પટેલે પોતાની કુશળતાથી ડેરીનો વહીવટ કરી તેના વિકાસને વેગ આપ્યો હતો. ૨૦૦૮માં ડેરીની ક્ષમતા ૩૫૦૦૦ લિટર દૂધની હતી અને વાર્ષિક રૂપિયા ૩૫ કરોડનું ટર્નઓવર હતું. ત્રણ ટર્મ સુધી ઘનશ્યામભાઈ પટેલે સ્થિર વહિવટ આપતા જિલ્લામાં પશુપાલકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આજે ડેરીની ક્ષમતા ૩ લાખ લિટરની છે અને ૫૦૦ કરોડનું વાર્ષિક ટર્નઓવર છે. જેનાથી બંને જિલ્લાના ૭૫૦૦૦થી વધુ પરિવારો રોજગારી મેળવી રહ્યાં છે. ઘનશ્યામ પટેલે દીર્ઘદૃષ્ટિ રાખી ડેડિયાપાડા જેવા વનવાસી વિસ્તારમાં આધુનિક દાણ ફેકટરી ઊભી કરી એક નવો આયામ સર કર્યો હતો. આજે દાણ ફેકટરીના કારણે પશુપાલકોને ઘર આંગણે જ ઉત્તમ ક્વોલિટીનું દાણ મળે છે. તો બીજી બાજુ ડેડિયાપાડા અને તેની આસપાસના વિસ્તારના ખેડૂતોનું અનાજ પણ સારાભાવ આપી દાણ ફેકટરીએ ખરીદતા આ પંથકના ખેડૂતોમાં પણ આર્થિક સધ્ધરતા આવી છે. આમ દૂધધારા ડેરીને સંઘર્ષમાંથી બહાર લાવી સધ્ધર બનાવનાર ઘનશ્યામભાઈ પટેલ સતત ચોથી વખત બિનહરીફ ચેરમેન તરીકે નિયુક્ત થતાં બંને જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોમાં ખુશીની લહેર ઊઠી છે.