(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૧૯
ભરૂચની નામાંકિત હોસ્પિટલ સનસાઈન ગ્લોબલ હોસ્પિટલના તબીબી ડૉ. આરીફ મીથવાનીએ મુંબઈના તબીબની ડિગ્રીની નકલમાં નામ ફેર કરી હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતા શહેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં મૂળ આમોદના નાહીપેર ગામના રહીશ પ્રકાશ નરસિંહભાઈ પટેલે આપેલી ફરિયાદમાં ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં તેમના માતાને ડેન્ગ્યુ થતા ઈમરજન્સીમાં ડૉ. મુનીબ શાહ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતા ત્યાં ડૉ. આરીફ મીથવાનીએ સારવાર કરી હતી. જો કે, પ્રકાશભાઈની માતાનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા આ મામલે પાલિકામાંથી મરણનો દાખલો લેવા માટે ડૉ. આરીફ દ્વારા સહી સિક્કા કરી આપવામાં આવતા તેમની તબીબી ડિગ્રી અંગે શંકા જતા તપાસ કરતા તેઓની આ ડિગ્રી નકલી હોવાનું બહાર આવ્યું હતું. આરીફ મીથવાનીએ મુંબઈના તબીબ ફૈઝલ રહેમાનખાનનું એમબીબીએસનું પ્રમાણપત્ર મેળવી લઈને પોતાનું નામ મીથવાની આરીફઅલી હોવા છતાં એફિડેવીટ કરીને ગેઝેટમાં મીથવાની ફૈઝલ હેદરઅલીના નામે પ્રસિદ્ધ કરીને પોતાને તબીબ તરીકે પ્રસ્થાપિત કરીને ભરૂચની ગ્લોબલ હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવી લોકોના જીવ સાથે ચેડા કર્યા હતા. જ્યારે મુંબઈના તબીબી ફૈઝલ રહેમાનખાનનું પોતાની ડિગ્રીનું પ્રમાણપત્ર જે-તે સમયે ચોરી થયું હતું અને આરીફ મીથવાની તેમની સાથે હોસ્પિટલમાં સાથે રહેતા હતા ત્યારે જ આ પ્રમાણપત્રની ચોરી થઈ હોવાનું પ્રકાશભાઈને જણાવતા તેમણે આરીફ મીથવાની સામે ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.